બે મહિનામાં ડુંગળીના ભાવ ૩૦ ટકા વધ્યા

અમદાવાદ: સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં વાવણીલાયક વરસાદની સિઝન શરૂ થઇ ગઇ છે, પરંતુ આ વખતે વિવિધ કઠોળના ઊંચા ભાવને કારણે ખેડૂતો કઠોળનું વાવેતર વધારે તેવી સ્થિતિમાં ડુંગળીનું વાવેતર ઘટે તેવી શક્યતા પાછળ ડુંગળીના ભાવમાં ધીમો પણ મજબૂત ઉછાળો નોંધાઇ રહ્યો છે. છેલ્લા બે મહિનામાં ડુંગળીના છુટક ભાવમાં ૩૦ ટકાથી વધુનો ઉછાળો નોંધાઇ ચૂક્યો છે. ૧૦૦ કિલોએ ૧૦૦થી ૨૦૦નો ઉછાળો નોંધાયો છે.

સ્થાનિક બજારમાં બે મહિના પૂર્વે ૧૫થી ૧૭ રૂપિયાના ભાવે મળતી ડુંગળી હાલ વધીને રૂ. ૨૦થી ૨૫ના ભાવે પહોંચી ગઇ છે. મહારાષ્ટ્ર બાજુથી આવતી ડુંગળીની આવકમાં ઘટાડો થયો છે એટલું જ નહીં ચીનમાં પણ ડુંગળીના પાકને ભારે નુકસાન થતાં ભારતમાંથી ડુંગળીની નિકાસમાં વધારો થયો છે.

સ્થાનિક વેપારીઓના જણાવ્યા પ્રમાણે ડુંગળીનો છેલ્લો સ્ટોક્સ બજારમાં ફરી રહ્યો છે. એટલું જ નહીં આ વખતે વિવિધ કઠોળના ભાવ ઊંચા હોવાના કારણે ખેડૂતો વાવણીની પેટર્ન બદલે તેવી પણ શક્યતા છે તથા સિંગતેલના ઊંચા ભાવના કારણે મગફળીનું વાવેતર પણ વધે તેવી શક્યતા છે.

તો બીજી બાજુ ડુંગળીનું વાવેતરમાં ઘટ પડી શકે છે, જેના પગલે ડુંગળીના ભાવમાં પાછલાં બે મહિનામાં ૩૦ ટકાથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવ વધીને ૨૦થી ૨૫ની સપાટીએ પહોંચી ગયા છે.

You might also like