લુધિયાણામાં RSSની શાખા પર ફાયરિંગઃ બે કાર્યકરો ઘાયલ

ચંડીગઢ: પંજાબના લુધિયાણામાં આજે સવારે અજાણ્યા બંધૂકધારી હુમલાખોરોએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખા પર ફાયરિંગ કર્યું હતું. જેમાં આરએસએસના બે કાર્યકરો ઘાયલ થયા છે. આરોપીઓ આ ઘટનાને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા. આરએસએસની શાખા પર ફાયરિંગ થતા ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આ ઘટના ઘટી ત્યારે આરએસએસના કાર્યકરો દૈનિક શાખા કરી રહ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. અહેવાલો અનુસાર લુધિયાણાના કીડવાઈનગરમાં આરએસએસ કાર્યાલયની નિકટ આવેલા પાર્કમાં આરએસએસના કાર્યકર્તા રોજની જેમ આજે જ્યારે શાખા માટે જમા થયા હતા ત્યારે ત્યાં બે મોટરસાઈકલ સવાર મહોરાધારી યુવાનો ત્યાં આવ્યા હતા અને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ફાયરિંગના પગલે ભારે ભાગદોડ મચી ગઈ હતી.

આ ફાયરિંગમાં આરએસએસના એક કાર્યકરના હાથને ગોળી અડીને નીકળી ગઈ હતી. આરોપીઓ ફાયરિંગ કરીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતા લુધિયાણાના પોલીસ કમિશનર પીએસ ઉમરાનંગલ, ડીસીપી નરેન્દ્ર ભાર્ગવ સહિત પોલીસની ટીમ તાબડતોબ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે લુધિયાણા જિલ્લાની તમામ સરહદો સીલ કરીને તપાસ શરૂ કરી દીધી છે.

You might also like