દિલ્હીમાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં બે યુવકનાં મોત થયાં

નવી દિલ્હી: દિલ્હીના શેખ સરાય વિસ્તારમાં ઉભેલી એક એમ્બ્યુલન્સમાં આગ લાગતાં તેમાં સૂતેલી બે વ્યકિતનાં મોત થયાં હતાં. ત્યારે અન્ય એક વ્યકિત ગંભીર રીતે દાઝી ગઈ હતી.  ગઈકાલે રાતે લગભગ ૧૨-૩૦ કલાકે બનેલી આ ઘટનામાં શેખ સરાય વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલના પાર્કિંગમાં ત્રણ એમ્બ્યુલન્સ પાસેપાસે ઊભી હતી.

જેમાં વચ્ચેની એમ્બ્યુલન્સમાં ત્રણ લોકો સૂતા હતા તે દરમિયાન આ એમ્બ્યુલન્સમાં એકાએક આગ લાગતાં એમ્બ્યુલન્સમાં સુતેલા યુવકો બહાર નીકળે તે પહેલાં જ એમ્બ્યુલન્સ આગની લપેટમાં આવી ગઈ હતી.જેના કારણે બે યુવકનાં મોત થયાં હતાં. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા થઈ હતી.

ત્યારબાદ આગની લપેટમાં આજુબાજુ ઊભેલી અન્ય બે એમ્બ્યુલન્સમાં પણ આગ લાગી હતી તેના કારણે આ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ગઈ કાલે આવેલી આંધીના કારણે આ એમ્બ્યુલન્સમાં આગ લાગી હોવાનુ માનવામાં આવે છે.

આ ઘટનામાં જે યુવાન ગંભીર રીતે દાઝી ગયો છે તેની હાલ સફદરગંજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનામાં જે બે યુવકના મોત થયાં છે તેમાં એકનુ નામ ગુડ્ડુ અને અન્યનું નામ રાહુલ છે. આ બંને એમ્બ્યુલન્સમાં હેલ્પર હતા. જોકે બીજી તરફ એવી પણ આશંકા વ્યકત થઈ રહી છે કે એમ્બ્યુલન્સમાં મચ્છર ભગાવવા માટે અગરબત્તી સળગાવવામાં આવી હતી. જેના કારણે એમ્બ્યુલન્સમાં એકાએક આગ લાગી હતી.

You might also like