બે લકઝરી વચ્ચે અકસ્માતઃ ત્રણનાં મોત, ૧૨ને ઈજા

અમદાવાદ: અંક્લેશ્વર રોડ પર ખરોડ ચોકડી પાસે બે લકઝરી બસ સામસામે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં જ્યારે ૧૨ મુસાફરોને ઈજાઓ પહોંચી હતી.  અા અંગેની વિગત એવી છે કે મહેસાણાથી સુરત તરફ જઈ રહેલી લકઝરી બસ અંક્લેશ્વર હાઈવે પર ખરોડ ચોકડી પાસે સુરત તરફથી અાવી રહેલી લકઝરી સાથે અથડાતાં અા અકસ્માતમાં માલેલાલ ભલારામ પ્રજાપતિ, રિંકલભાઈ પટેલ અને દિનેશ કલાલ નામની ત્રણ વ્યકિતનાં ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે લકઝરીમાં પ્રવાસ કરતાં ૧૨ મુસાફરોને ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

અા ઉપરાંત વલસાડ નજીક અાવેલા ધરમપુરથી જાનૈયા ભરેલ નીકળેલો ટેમ્પો અાહવાના ઘોઘલી ઘાટ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ટેમ્પાના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. ટેમ્પો પલ્ટી ખાતા જ જાનૈયાઓએ ચીસાચીસ કરી મૂકી હતી. અા ઘટનામાં ૨૬ જાનૈયાઓને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. ૨૬ જાનૈયા પૈકી સાતની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે. સદ્નસીબે અા ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી. અકસ્માત બાદ ટેમ્પાનો ચાલક નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like