અમેરિકાનો પાક. પર ડ્રોન હુમલોઃ હક્કાની નેટવર્કનો કમાન્ડર ઠાર

પાકિસ્તાનના અશાંત કબાયલી વિસ્તાર ખુર્રમ એજન્સીમાં અમેરિકાના ડ્રોન હુમલામાં આતંકી સંગઠન હક્કાની નેટવર્કને ફરીથી નિશાન બનાવવામાં આવ્યું છે. અમેરિકાએ ડ્રોન દ્વારા તાકેલી બે મિસાઇલમાં હક્કાની નેટવર્કના એક કમાન્ડર સહિત બે આતંકી માર્યા ગયા હતા.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમેરિકન ડ્રોને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ નજીક માતા સેંગર ગામમાં એક વાહનને નિશાન બનાવ્યું હતું. આ મિસાઇલ હુુમલામાં હક્કાની નેટવર્કના કમાન્ડર જમીઉદ્દીન સહિત બે આતંકીઓ માર્યા ગયા હતા. આ આતંકી સંગઠનનો અફઘાનિસ્તાનમાં અમેરિકા માટે કામ કરતા લોકોનું અપહરણ કરવામાં અને તેમના પર હુમલો કરવામાં હાથ રહ્યો છે.

હક્કાની નેટવર્કે જ કાબૂલ સ્થિત ભારતીય મિશનમાં વિસ્ફોટ કરવા સહિત અફઘાનિસ્તાનમાં ભારતીય હિતોની વિરુદ્ધ ઘણા હુમલા કર્યા છે. કાબુલ હુમલામાં પ૮ લોકો માર્યા ગયા હતા. ખુર્રમ એજન્સીમાં આ અગાઉ નવેમ્બરની આખરમાં અમેરિકન ડ્રોન હુુમલા થયા હતા, જેમાં હક્કાની નેટવર્કના ચાર આતંકીઓ માર્યા ગયા હતા.

આ વર્ષે જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પાકિસ્તાન પર અમેરિકાએ ચોથી વખત ડ્રોન હુમલો કર્યો છે.

You might also like