જમ્મુ-કાશ્મીરના બે મુસ્લિમ એથ્લીટ્સને USએ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી નીતિને કારણે જમ્મુ-કાશ્મીરના બે એથ્લીટ્સને નવી દિલ્હી ખાતેના અમેરિકન દૂતાવાસે વિઝા આપવાનો ઇનકાર કરી દીધો છે. એક એથ્લીટનું નામ તનવીર હુસેન છે, જ્યારે બીજાનું નામ આબિદખાન છે. તેઓએ જણાવ્યું કે ન્યૂયોર્કના સારનેક વિલેજમાં ૨૫ ફેબ્રુઆરી, ૨૦૧૭થી શરૂ થઈ રહેલી સ્નો શૂ ટૂર્નામેન્ટમાં બંને ભાગ લેવાના છે. વિઝા પ્રાપ્ત કરવા માટે અમેરિકન દૂતાવાસમાં અેપ્લાય કર્યું હતું. ૨૪ વર્ષીય તન્વીરે જણાવ્યું કે આ ટૂર્નામેન્ટ વર્લ્ડ સ્નો શૂ ફેડરેશન દ્વારા આયોજિત થઈ રહી છે. ફેડરેશન દ્વારા આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે આમંત્રણ મળ્યું હતું.

ગત શનિવારે નવી દિલ્હીમાં તેઓએ વિઝા માટે અેપ્લાય કર્યું હતું. અમેરિકન અધિકારીઓએ પ્રવાસને લઈને પાંચ-છ મિનિટ સુધી તેમની સાથે વાતચીત કરી. અધિકારીઓ સંતુષ્ટ પણ જણાયા હતા, પરંતુ વિઝા આપવાનો ઇનકાર કરી દીધો. શ્રીનગરના હસનાબાદ રૈનાવારીમાં રહેતા તનવીરે કહ્યું કે, ”જ્યારે અધિકારીઓને કારણ પૂછ્યું તો તેઓએ કહ્યું કે વર્તમાન નીતિને કારણે અમે વિઝા ના આપી શકીએ.”

જમ્મુ-કાશ્મીર બેન્ક તરફથી રમતાે તનવીર હુસેન વર્ષ ૨૦૧૬માં ઇટાલીમાં યોજાયેલી વર્લ્ડ વિન્ટર ગેમ્સ અંતર્ગત સ્નો શૂ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. જ્યારે આબિદ ખાનનું કહેવું છે કે દૂતાવાસની મહિલા અધિકારી તેમનાં આવેદનને લઈને એક રૂમમાં ચાલી ગઈ હતી અને થોડી વાર બાદ પાછા ફરીને તેણે કહ્યું કે ટ્રમ્પના પ્રતિબંધને કારણે તેમને વિઝા આપી શકાય નહીં.

દૂતાવાસે ઇનકાર કર્યો
એથ્લીટ્સને વિઝા ન આપવાના મામલામાં અમેરિકન દૂતાવાસે પહેલાં તો કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કરી દીધો હતો, પરંતુ બાદમાં તેઓનું કહેવું હતું કે આના માટે ટ્રમ્પની નીતિ જવાબદાર નથી. આવેદન રદ થવા માટે અન્ય કોઈ કારણ હશે.

અમેરિકન મેયરે મદદનું આશ્વાસન આપ્યું
અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત સારનેક વિલેજના મેયર વલાયદે રાબિદોએ ફેસબુક પર આબિદ ખાનની ફરિયાદની પુષ્ટિ કરતાં કહ્યું કે, ”આ દુઃખદ છે.” પરંતુ તેઓએ એથ્લીટને વિશ્વાસ અપાવ્યો હતો કે બધું ઠીકઠાક થઈ જશે.
http://sambhaavnews.com/

You might also like