બે મકાન અને એક ફેકટરીમાં અાગ લાગતાં ભારે દોડધામ

અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં બે મકાન અને એક ફેકટરીમાં અાગ લાગતાં ફાયરબ્રિગેડ તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે અા ઘટનામાં કોઈ જાનહાની કે કોઈને ઈજા થવા પામી નથી.
અા અંગેની વિગત એવી છે કે વાસણા વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે અાવેલ દામુભાઈ કોલોનીના એક મકાનમાં અાજે સવારે એસી શોર્ટસર્કિટ થતાં અાગ લાગી હતી. ફાયરબ્રિગેડે તાત્કાલીક પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી.
જ્યારે બોપલમાં ગ્રામપંચાયત જવાના રસ્તા પર અાવેલ અવિષ્કાર સોસાયટીના એક મકાનમાં અાગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળે છે.
અા ઉપરાંત મેમ્કો પુલ નીચે કૈલાસ એસ્ટેટમાં અાવેલી એક ફેકટરીમાં અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી અને ભયનું વાતાવરણ ફેલાયું હતું. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સાધન-સામગ્રી સાથે પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી. તથા સરદારનગર વિસ્તારમાં એરપોર્ટ નજીક પોલીસ લાઈનના પાછળના ભાગે અદાણીની સીએનજીની પાઈપલાઈન લીક થતાં લોકોના ટોળેટોળાં ભેગા થયાં હતાં. કંપનીના સ્ટાફ અને ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલીક પહોંચી જઈ વાલને લીક થતો બંધ કરી દીધો હતો.

You might also like