બે હોસ્પિટલ-બે મોત પરિવારજનોનો હોબાળો

અમદાવાદ: સિવિલ હોસ્પિટલમાં અોપરેશન દરમિયાન તન્મય જાની નામના યુવાનના મોતનો વિવાદ હજુ શમ્યો નથી ત્યાં શહેરના શાહપુર વિસ્તારમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલ તેમજ હાટકેશ્વર વિસ્તારમાં આવેલી શ્રીજી સર્જિકલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓને ઈન્જેક્શન અપાયા બાદ અને ઓપરેશન બાદ તેઓનાં મોત નીપજતાં બંને હોસ્પિટલોમાં દર્દીનાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

શાહપુર વિસ્તારમાં લોકોના ટોળાએ તોડફોડ પણ કરી હતી. બનાવની જાણ થતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને પોલીસે દર્દીના પરિવારજનોને સમજાવી શાંત પાડ્યા હતા. આ અંગે શાહપુર અને ખોખરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. બંને મૃતકોના પી.એમ. રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે તેમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજપુર ટોલનાકા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં મહંમદ ઈકબાલ મિયાં જુલાનીમિયાંને છાતીમાં દુખાવો ઉપડતાં તેઓને શાહપુર વિસ્તારમાં આવેલી લાઈફ કેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડો.ભરત વ્યાસ નામના ડોકટરે ઈન્જેકશન આપ્યું હતું. બાદમાં તેઓને સારું થઈ જતાં તેઓને રજા આપી દેવાઈ હતી. પરંતુ હોસ્પિટલની નીચે ઊતરતાં તેઓને ફરી દુખાવો ઉપડ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.

પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોક્ટરે ઈન્જેકશન આપ્યા બાદ તેઓનું મોત નીપજ્યું હતું. ડોક્ટરને નીચે વારંવાર બોલાવવા છતાં આવીએ છીએ કહી ૧૦ મિનિટ સુધી આવ્યા નહોતા. ડોક્ટરની બેદરકારીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને લોકોએ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. ઘટનાને પગલે શાહપુર પી.આઈ. સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં શાહપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી હતી.

બીજી તરફ અમરાઈવાડી વિસ્તારમાં નાગરવેલ હનુમાન નજીક રામદેવનગરના છાપરા ખાતે રહેતા લક્ષ્મીબહેન કરસનભાઈ દડિયલ (ઉ.વ. ૫૫)ને પેટમાં દુખાવો ઊપડતાં તાત્કાલિક હાટકેશ્વર સર્કલ નજીક આવેલી શ્રીજી સર્જિકલ હોસ્પિટલ ડો. સુભાષ શાહના ત્યાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડોક્ટરોએ પિત્તાશયમાં પથરી હોવાનું જણાવી તેઓનું ઓપરેશન કર્યું હતું અને બાદમાં તેઓનું મોત નીપજ્યું હતું.

મૃતક લક્ષ્મીબહેનના પુત્ર શંકરભાઈએ ડો. સુભાષ શાહની બેદરકારીથી મોત નીપજ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેઓને હૃદયની બીમારી હતી અને તેઓને અગાઉ શારદાબહેન તથા યુએન મહેતા હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બાદમાં દુખાવો થતાં તેઓને શ્રીજી હોસ્પિટલ ખસેડાતાં ડોક્ટરોએ પથરી હોવાનું કહી ઓપરેશન કર્યું હતું. હાલમાં ખાેખરા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ છે.

You might also like