ત્રણ દિવસ અમે ફક્ત ભાત અને નૂડલ્સ ખાઈને કાઢ્યા

અમદાવાદ: ત્રણ દિવસ પહેલા અમદાવાદના ધરણીધર વિસ્તારમાં રહેતા વત્સલ શુકલના મોબાઇલ ઉપર એક ફોન આવ્યો તે ફોન ચેન્નઇની કુદરતી આફતમાં ફસાયેલા તેમના ૧૮ વર્ષના પુત્રનો હતો. પપ્પા અમે અહીં ફસાઇ ગયા છીએ, પણ કોઇ અમારી ચિંતા ના કરતા હું આવી જઇશ. આટલી વાત થઇને ફોન કટ થઇ ગયો.

ચેન્નઇમાં કુદરતની કહેરનો સાક્ષી બનેલો અમદાવાદનો ૧૮ વર્ષીય હર્ષલ શુકલ છે. હર્ષલ શુકલ બે વર્ષ પહેલાં ચેન્નઇની આરુમબક્કમ વિસ્તારમાં આવેલી એ.આર.રહેમાનની કે.એમ. કોલેજ ઓફ મ્યુઝિક એન્ડ ટેકનોલોજી કોલેજમાં સંગીતના પાઠ શીખી રહ્યો છે. દિવાળીના વેકેશનમાં તે ઘરે આવ્યો હતો ત્યારે ટીવીમાં સમાચાર જોયા કે ચેન્નઇમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ચેન્નઇમાં પૂર જેવી સ્થિતિ આવી ગઇ છે. તેમ છતાંય હર્ષલ ૧૪ નવેમ્બરના રોજ ચેન્નઇ પહોંચી ગયો તેના આ નિર્ણયમાં તેનાં માતા પિતા અને બહેન પણ સહમત થયા હતા. વરસાદ તો શાંત થઇ ગયો અને બધું રાબેતા મુજબ થઇ ગયું પરંતુ કેમ જાણે અચાનક ફરીથી કુદરતે પોતાનો પ્રકોપ બતાવ્યો છેલ્લા એક સપ્તાહથી ચેન્નઇમાં પડી રહેલા ધોધમાર વરસાદના કારણે આખું ચેન્નઇ થંભી ગયું હતું.

હર્ષલે કુદરતી આફતમાં ગુજારેલા ત્રણ દિવસની આપવીતી મેટ્રો સમભાવને કહેતાં જણાવ્યું છે કે આરુમબક્કમ વિસ્તારમાં એક ભાડાના મકાનમાં રહે છે છેલ્લા ચાર દિવસથી વરસાદને કારણે તેમના વિસ્તારમાં ઠેરઠેર પાણી ભરાયાં છે. ઇલેક્ટ્રિક કનેકશન બંધ થઇ ગયું છે ગટરનાં પાણી ઉભરાઇ રહ્યાં છે. દુકાનોમાં પાણી, દૂધના અને ખાવાપીવાની ચીજ વસ્તુઓના ભાવ બમણા થઇ ગયા છે દિવસ તો ગમે તેમ નીકળી જતો હતો, પરંતુ જેમ જેમ અંધારું થાય તેમ તેમ મનમાં એક બીક રહેતી હતી કે આ અમારો ‌છેલ્લો દિવસ તો નથી ને?

ડિઝાસ્ટર મેનેજમેન્ટના કર્મચારીઓ દરરોજ ભાત આપી જતા હતા. માત્ર નુડલ્સ અને ભાત ખાઇને અમે ત્રણ દિવસ કાઢયા છે. બે દિવસ પહેલાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની બોટ આવી અને અમને સુર‌િક્ષત બસ સ્ટેન્ડ સુધી મૂકી ગઇ. અમે તેમનો આભાર માન્યો અને બેંગલોરની બસમાં બેસીને અમે બેંગલોર આવી ગયા આવતી કાલે હું અમદાવાદ આવું છે અને ફરીથી જાન્યુઆરીમાં ચેન્નઇ જઇશ. આ મુદ્દે હર્ષલના માતાપિતા વત્સલ શુકલ અને દિવાલી શુક્લએ જણાવ્યું છે કે હું મારા પુત્રને હંમેશાં દરેક મુસીબતોનો સામનો કરવા માટેની પ્રેરણા આપતો હતો તેના લીધે જ તેણે આ મુસીબતનો મુકાબલો સારી રીતે કર્યો છે. અમને હર્ષલની ચિંતા બહુ થતી હતી કારણકે તે એવા વિસ્તારોમાં રહેતો હતો જ્યાં ખાવા પીવાનાં સાંસાં હતાં. અમે પ્રાર્થના કરતા હતા પણ અમારો આખો પરિવાર પોઝિટિવ હતો.

You might also like