સરસપુરની મ્યુનિસિપલ લાઈબ્રેરીના બે માળ જર્જરિત બનતાં બંધ કરવા પડ્યા

અમદાવાદ: ભાજપ શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાવાળાઓને કરોડો રૂપિયાના પ્રોજેક્ટમાં જેટલો રસ છે તેનો દશ ટકા જેટલો રસ જે તે પ્રોજેકટની સારસંભાળમાં નથી. કેટલાક સત્તાધીશોને નવા પ્રોજેક્ટેમાં ‘કટકી’ મળતી હોઇ સામે ચાલીને કરોડો રૂપિયાના પ્રોજેક્ટની દરખાસ્તને મંજૂરીની મહોર મારતાં હોવાનું ચર્ચાતું રહ્યું છે.

જેના કારણે એક સમયના જનઉપયોગી પ્રોજેકટ તંત્રની ઉપેક્ષાથી ધૂળ ખાતા પડીને છેવટે લોકનજરે હાસ્યાસ્પદ ઠરે છે. સરસપુર વોર્ડમાં ભયજનક હાલતમાં મુકાયેલી મ્યુનિસિપલ લાઇબ્રેરી આનું એક વધુ ઉદાહરણ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત વિમળચંદ નગીનદાસ લાઇબ્રેરીની અગાઉ લોકોમાં ભારે પ્રતિષ્ઠા હતી. સરસપુર વોર્ડમાં આવેલી આ લાઇબ્રેરીનું બિલ્ડિંગ ત્રણ માળનું છે પરંતુ તેનો વપરાશ માત્ર ગ્રાઉન્ડ ફલોરનો થઇ રહ્યો છે કેમ કે સમગ્ર બિલ્ડિંગ જર્જરિત હાલમાં મુકાયું હોઇ ઉપરના બે માળને તાળાં મારી દેવાયાં છે.

સરસપુરના લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે આ લાઇબ્રેરી જ્ઞાન સંપદામાં વૃદ્ધિ કરાવતું માનીતું સ્થળ હતું પરંતુ સત્તાવાળાઓએ લાઇબ્રેરી તરફથી નજર ફેરવી લેતાં આજે ગ્રાઉન્ડ ફલોરમાં લાઇબ્રેરી કાર્યરત છે. પરંતુ તેમાં પૂરતાં પુસ્તકો નથી. વિદ્યાર્થીઓ માટે બેસવા માટેનાં ટેબલ-ખુરશી નથી.

વિદ્યાર્થીઓ વાંચવા બેસે છે તેવા સમયે ક્યારેક ઉપરથી પોપડા પડતા હોઇ તેઓ ભયભીત બને છે. કાળઝાળ ગરમીમાં પંખાની સુવિધા નથી. લાઇટની પણ પર્યાપ્ત વ્યવસ્થા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વચ્છતા અભિયાન આ લાઇબ્રેરી સુધી પહોંચ્યું ન હોઇ ટોઇલેટ-બાથરૂમ વપરાય તેવાં નથી.

આ અંગે તાજેતરમાં સ્થાનિક યુવા અગ્રણી અઝહર રાઠોડ દ્વારા પૂર્વ ઝોનની મ્યુનિસિપલ કચેરી ખાતે સંબંધિત અધિકારીને આવેદનપત્ર અપાયું હતું. જેમાં તેમણે લાઇબ્રેરીનું તત્કાળ સમારકામ કરાવીને તેને સુવિધાસભર બનાવવાની માગણી તંત્ર સમક્ષ કરી છે.

You might also like