કચરો નાખવા બાબતે બે પરિવાર બાખડ્યાઃ આઠથી વધુ લોકો ઘાયલ

અમદાવાદ:  શહેરના નારોલ વિસ્તારમાં ગઇ કાલે વહેલી સવારે કચરો નાખવાની બાબતે બે પાડોશીઓ આમનેસામને આવી જતાં મામલો બિચક્યો હતો. ધોળા દિવસે સોસાયટીમાં પાવડા અને પાઇપ વડે બે પાડોશીઓએ એકબીજા ઉપર ઘાતકી હુમલો કરતાં 8 કરતાં વધુ વ્યકિતઓને નાની-મોટી ઇજા પહોંચી હતી. વટવા પોલીસે બન્ને પક્ષે હત્યાની કોશિશની ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

નારોલ-મોતીપુરા રોડ પર આવેલ શ્યામસુંદર સોસાયટીમાં રહેતા પરમાર પરિવાર તથા યાદવ પરિવારના સભ્યો કચરો નાખવા બાબતે આમનેસામને આવી જતાં મામલો બિચક્યો હતો. ગઇ કાલે સવારે મનોરમા યાદવ નામની મહિલાએ જાહેરમાં કચરો નાખ્યો હતો, જેમાં કાંતિબહેન પરમાર સાથે બોલવાનું થયું હતું, જોતજોતામાં બબાલ એટલી બધી ઉગ્ર બની ગઇ કે મનોરમાના પતિ રમેશ યાદવ, પુત્ર જયસિંગ યાદવ અને દિનેશ યાદવ તથા અજાણ્યા 4 શખ્સોએ કાંતિબહેન તેમના પતિ ધનજીભાઇ, પુત્ર યોગેશ, કમલેશ અને મનીષ ઉપર હુમલો શરૂ કરી દીધો હતો.

બન્ને પક્ષ આમનેસામને આવી જતાં પાવડા, લોખંડના સ‌િળયા તથા ધોકા વડે એકબીજા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 8 કરતાં વધુ વ્યકિતઓને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

You might also like