દુકાનમાં ભીષણ આગઃ ગેસનાં બે સિલિન્ડર બોમ્બની જેમ ફાટ્યાં

(અમદાવાદ બ્યૂરો)
અમદાવાદ: શહેરના ઇન્કમટેક્સ ખાતે આવેલ સી.યુ.શાહ કોલેજની સામે ફાસ્ટફૂડની દુકાનમાં મોડી રાત્રે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ગેસના બે સિલિન્ડર બોમ્બ બ્લાસ્ટની જેમ બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારોમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે આ ઘટનામાં દુકાનમાં હાજર રસોઇયો તેમજ આગ બુઝાવવા માટે આવેલા ફાયરબ્રિગેડના ચાર જવાનને નાની મોટી ઇજા પહોંચતા અફરાતફરી મચી ગઇ હતી.

તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ફાસ્ટફૂડની આ દુકાનમાં એક બે નહીં પરંતુ સાત ગેસનાં સિલિન્ડર હતાં. એક ફાસ્ટફૂડની દુકાનમાં આટલાં બધાં સિલિન્ડર હોવાં તે ગેરકાયદે છે. હાલ તો ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે ત્યારે આ મામલે ફાસ્ટફૂડના માલિક વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી થાય તે જરૂરી છે.

સી.યુ.શાહ કોલેજની સામે ઓક્સફોર્ડ એવન્યુમાં લક્ષ ફાસ્ટફૂડની દુકાન આવેલી છે. જે ઓનલાઇન ફૂડ પાર્સલની સર્વિસ આપે છે. મોડી રાત્રે ફાસ્ટફૂડની દુકાનમાં રસોઇ બનાવતાં પિન્ટુ મનજીભાઇ મેળા રસોઇ બનાવતા હતા ત્યારે શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટ થતાંની સાથે જ અચાનક દુકાનમાં આગ લાગી હતી આગ લાગતાની સાથે જ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને ફોન કર્યો હતો. ફાયરબ્રિગેડની ટીમ એક ફાયરફાઇટર અને એક ટેન્કર લઇને તાત્કાલીક ઓક્સફોર્ડ એવન્યુમાં પહોંચી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવાની કોશિશ કરી હતી.

પિન્ટુ જ્યારે રસોઇ બનાવતો હતો ત્યારે ગેસનું સિલિન્ડર લીકેજ હતું જેના કારણે શાેર્ટ સર્કિટથી સ્પાર્ક થતાં એક પ્રચંડ ધડાકો થયો હતો. ધડાકો થતાંની સાથે પિન્ટુ તેમજ ફાયરબ્રિગડના ચાર જવાન જે આગ બુઝાવવા માટે આવ્યા હતા તે ગંભીર રીતે દાઝ્યા હતા. પિન્ટુ સહિત ફાયરબ્રિગેડના કર્મચારી રાકેશભાઇ પરમાર, કનુભાઇ તેમજ ચંદુભાઇ અને મહેશભાઇ પણ દાઝી ગયા હતા. તમામ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

ફાયરબ્રિગેડના જવાન દાઝી જતાં બીજા જવાનો આગ બુઝાવવા માટે આવી ગયા હતા જેમણે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાસ્ટફૂડની દુકાનમાં ઉપરાછાપરી બે સિલિન્ડર બ્લાસ્ટ થયા હતાં. સિલિન્ડરનો બ્લાસ્ટ એટલો પ્રંચડ હતો કે દીવાલ પણ તૂટી ગઇ હતી ત્યારે ઓક્સફોર્ડ એવન્યુની અન્ય ઓફિસોને પણ ભારે નુકસાન થયું હતું.

સિલિન્ડરમાં બે બ્લાસ્ટ થતાં ઓકસફોર્ડ એવન્યુની બીજી ઓફિસોના કાચ તૂટી ગયા હતા જ્યારે આખું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું હતું. બીજી ઓફિસના એસીના કોમ્પ્રેશરને પણ નુકશાન થયું હતુ.ં ફાયરબ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારે વાડજ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારી પણ ઘટના સ્થળે આવી ગયા હતા. સિલિન્ડર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે દૂર દૂર સુધી તેનો અવાજ સંભળાયો હતો.

સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કેલક્ષ ફાસ્ટફૂડની નાની દુકાનમાં ફાયરબ્રિગેડની ટીમને એક બે નહીં પરંતુ સાત સિલિન્ડર મળી આવ્યાં છે જેમાંથી બે બ્લાસ્ટ થઇ ગયા છે. સમાન્ય રીતે કોઇ પણ મકાનમાં કાયદેસર એક અથવા તો બે સિલિન્ડર મળતાં હોય છે. ત્યારે હોટલ કે ફાસ્ટફૂડની દુકાન હોય તો કોમર્શિયલ સિલિન્ડર જરૂરિયાત તેમજ જગ્યાના આધારે મળતા હોય છે.

આ દુકાન નાની હોવાથી તેને એક અથવા બે સિલિન્ડર મળવા પાત્ર છે. તેમ છતાંય આ ફાસ્ટફૂડની દુકાનમાં સાત સિલિન્ડર હતાં. ફાસ્ટફૂડની દુકાન ચલાવતા માલિકે ગેરકાયદે સિલિન્ડર લીધાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય દુકાનમાં ફાયરસેફ્ટીનાં સાધનો પણ નહીં હોવાનું ફાયરબ્રિગેડના અધિકારીઓ કહી રહ્યા છે. સી.યુ.શાહ નજીક આવેલી અલ્પાઇન હાઇટ્સમાં રહેતા રિતુ સિંગે જણાવ્યું છે કે મોડી રાત્રે અચાનક ઘરની બારીઓ ખખડતા ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ થયો હતો. જેથી ઊઠીને જોતાં આગ લાગી હોય તેવું દેખાતું હતું દરમિયાનમાં એક પ્રચંડ બ્લાસ્ટ થયો હતો.

ફાયરબ્રિગેડના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યુ છે કે નાની દુકાનમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં સર્જાયેલી હોનારતમાં તપાસ થવી જરૂરી છે કારણ કે નાની દુકાનમાં સાત સિલિન્ડર રાખવાં ગેરકાયદે છે. બે સિલિન્ડર બ્લાસ્ટ થયા ત્યાર બાદ વધુ એક સિલિન્ડર પણ લીકેજ હતું.

ઉલ્લેખનીય છેકે ત્રણેક મહિના પહેલા ડ્રાઇવઈન રોડ પર આવેલા હિમાલયા મોલની સામે શ્રીજી ટાવરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટાયરની દુકાનમાં ગેસનાં સિલિન્ડર ફાટવાથી આગ લાગી હતી. ટ્રાફિકથી ધમધમતા રહેતા આ કોમર્શિયલ અને રહેણાક વિસ્તારમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઈ હતી.

You might also like