બે પિતરાઈ બહેનોને વીજલાઈનનો કરંટ લગતાં જન્મ અને મૃત્યુ એક જ દિવસે થયાં!

અમદાવાદ: સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના વીસનગર ગામની બે પિતરાઇ બહેનો સીમમાં કંકોડાં વીણવા ગઇ હતી. દરમ્યાનમાં ઝારના વૃક્ષ પર ચઢ્યા બાદ ૧૧૦૦ કેવીની હેવી લાઇનના કેબલથી વીજશોક લાગતાં બન્ને પિતરાઇ બહેનોનાં ઘટનાસ્થળે કમકમાટી ભર્યાં મોત નીપજ્યાં હતાં.

આજે કંકોડાંનું શાક ખાવું છે એમ કહી બંને બહેનો કંકોડાં લેવા નીકળી હતી. ઝીંઝુવાડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે.

વીસનગર ગામમાં રહેતી અને ત્યાંની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી પૂજા જીલાભાઇ ડાભી (ઠાકોર) અને સજન ઉકાભાઇ ડાભી (ઠાકોર) ( બન્ને. ઉ.વ. છ વર્ષ) નામની બન્ને પિતરાઇ બહેનો સ્કૂલથી છૂટ્યા બાદ સીધી સીમમાં કંકોડાં વીણવા ગઇ હતી.

ઝારના વૃક્ષ પર ચઢ્યા બાદ આ વૃક્ષ ઉપરથી પસાર થતા ૧૧૦૦ કેવી હેવી ઇલેક્ટ્રિક લાઇનનો એક વાયર વરસાદી વાતાવરણમાં વૃક્ષની ડાળીઓને અડતો હોઇ વીજશોક લાગવાની બન્ને પિતરાઇ બહેનોના ઝાડ પર જ મોત નીપજ્યાં હતાં.

મોડી સાંજ સુધી બન્ને દીકરીઓ ઘેર ન આવતાં એમનાં પરિવારજનો દ્વારા ગામમાં સઘન શોધખોળ આદરવા છતાં કોઇ અત્તોપત્તો ના લાગતાં મોડી રાતે આ બન્ને દીકરીઓ ગુમ થયાની ઝીંઝુવાડા પોલીસને જાણ કરાઇ હતી.

સરપંચ સહિત એમનાં પરિવારજનો અને ગ્રામજનો દ્વારા સીમમાં શોધખોળ શરૂ કરી હતી. દરમ્યાનમાં ઝારના વૃક્ષ નીચેથી વાડકીઓ અને પ્લાસ્ટિકની થેલીમાં મળેલાં કંકોડાંના આધારે મોડી રાતે બેટરીના અજવાળે બન્નેની લાશ ઝાડ પરથી મળી આવી હતી.

વીજશોકથી અકાળે મોતને ભેટેલી પૂજા જીલાભાઇ ડાભી અને સજન ઉકાભાઇ ડાભી બન્ને પિતરાઇ બહેનોની જન્મતારીખ એક જ દિવસે છે જ્યારે બંને બહેનોની મૃત્યુની તારીખ પણ એક જ દિવસે થતાં પરિવારજનોમાં ભારે શોક ફેલાયો છે.

You might also like