નર્મદા કેનાલમાંથી બે પિતરાઈ ભાઈના મૃતદેહ મળી અાવ્યાઃ નહાવા પડતા ડૂબી ગયાની શંકા

અમદાવાદઃ ગાંધીનગર નજીક અાવેલા નભોઈ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી બે પિતરાઈ ભાઈઓના મૃતદેહ રહસ્યમય સંજોગોમાં મળી અાવતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે બંને લાશને પીએમ માટે મોકલી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે ગાંધીનગરના નભોઈ ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી મોડી સાંજે એક સ્કૂટર અને બે જોડી ચંપલ મળી અાવ્યાં હતાં. કોઈ બે વ્યક્તિએ નર્મદા કેનાલમાં પડતુ મૂકી અાત્મહત્યા કરી હોવાની શંકાના અાધારે પોલીસે ફાયર બ્રિગેડની મદદથી સઘન શોધખોળ શરૂ કરતાં જમિયતપુરા કેનાલમાંથી બે યુવાનોના મૃતદેહ મળી અાવ્યા હતા. સ્કૂટર મહેસાણા પાસિંગનું હોય પોલીસે સઘન તપાસ કરતાં અા બંને મૃતકો વિજાપુર તાલુકાના ઉદેલપુર ગામના રહીશ અાશિત બાબુભાઈ પરમાર અને નીરવ દિવ્યેશભાઈ ઉદેલ હોવાનું જાણવા મળ્યું હતું.

તપાસ દરમિયાન અા બંને પિતરાઈ ભાઈ હોવાનું અને બંને જણા ભાટ ગામ ખાતે અાવેલી એક ડેરીમાં નોકરી કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. અા બંને પિતરાઈ ભાઈઓએ અાત્મહત્યા કરી છે કે નહાવા પડતા ડૂબી જવાથી મોત થયા છે તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

મૃત યુવાન અાશિતના પેન્ટના ખિસ્સામાંથી મોબાઈલ ફોન મળી અાવ્યો હતો પરંતુ મોબાઈલ ફોનમાં સિમકાર્ડ કે મેમરી કાર્ડ ન હોવાના કારણે પોલીસ વિમાસણમાં મુકાઈ ગઈ હતી. અડાલજ પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like