દાણીલીમડામાં મકાનની છત પડતાં મહિલાનું મોતઃ બે બાળકો ઘાયલ

અમદાવાદ: શહેરના દાણીલીમડા વિસ્તારમાં આવેલ એક મકાનની છત આજે વહેલી પરોઢે ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું છે ત્યારે બે બાળકોને ગંભીર ઇજા પહોંચી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાઈ હતી. જોકે તે પહેલાં જ મૃતક મહિલાને લોકોએ બહાર કાઢી હતી.

ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા અનુસાર દાણીલીમડામાં આવેલ છીપા સોસાયટીમાં આવેલ એક મકાનમાં વહેલી પરોઢે છત પડતાં રઇશાબાનું કાસમભાઇ શેખ નામની મહિલાનું મોત થયું છે. રઇશાબાનું તેમનો છ વર્ષનો પુત્ર યાસિન શેખ અને સાત માસની પુત્રી સાનિયાને લઇને સુતાં હતાં ત્યારે

અચાનક મકાનની છત ધરાશાયી થઇ હતી. છત પડતાં રઇશાબાનું અને તેમનાં બે બાળકો દટાયાં હતાં, જેમાં રઇશાબાનુંનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે સાનિયા અને યાસિનને ગંભીર ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

આ ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને કાટમાળને હટાવવા લાગ્યા હતા, જ્યારે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. લોકોએ ભારે જહેમત બાદ રઇશાબાનુંને બહાર કાઢ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે ઓઢવમાં થોડા દિવસો પહેલાં ગરીબ આવાસ યોજનાનું બિલ્ડિંગ પણ ધરાશાયી થયું હતું, જેમાં એક વ્યક્તિનું મોત થયુ હતું ત્યારે દરિયાપુરમાં પણ બે ત્રણ દિવસ પહેલાં એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં પણ એક વ્યક્તિનું મોત થયું હતું.

You might also like