વાસણામાં બે કાર અથડાતાં આગ લાગી છે અને એક વ્યક્તિ ફસાઈ છે

અમદાવાદ: ઇમર્જન્સી સેવા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં છેલ્લા બે દિવસથી પંકજ ત્રિવેદીના નામે ફોન કરી અને ફાયર બ્રિગેડની ટીમને આગનો ખોટો ફોન કરી હેરાન પરેશાન કરવાની ઘટના સામે આવી છે. પંકજ ત્રિવેદીના નામે ફોન કરનાર યુવકે ગઈ કાલે રાતે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં ફોન કરી વાસણા બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો છે અને કારમાં આગ લાગી છે.

એક વ્યક્તિ ફસાઈ છે તેવો મેસેજ આપતાં ફાયરની બે ગાડી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. જો કે ત્યાં જતાં ખોટો કોલ હોવાનું બહાર આવ્યું હતું. ફાયર બ્રિગેડ દ્વારા પોલીસને ફેક કોલ કરનારનો નંબર આપવા છતાં તપાસ કરતી નથી.

મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં છેલ્લા બે દિવસ એક મોબાઈલ નંબર પરથી પંકજ ત્રિવેદીના નામે ફોન કરી ફાયર અંગેની માહિતી આપવામાં આવે છે. ગત ૨૫ જૂનના રોજ રાતે ૧.૫૭ મિનિટે પંકજ ત્રિવેદી નામની વ્યક્તિએ કંટ્રોલ રૂમમાં ફોન કરી જણાવ્યું હતું કે પાલડી કોઠાવાળા ફ્લેટ પાસે આવેલા ગુરુકૃપા ડુપ્લેક્સના એક મકાનમાં ગેસનો બાટલો ફાટ્યો છે.

બે થી ત્રણ વ્યક્તિ દાઝી છે જેથી તાત્કાલિક મદદ મોકલો. ફાયરને કોલ માલ્ટા ફાયર બ્રિગેડની બે ગાડીઓને તાત્કાલિક ગુરુકૃપા ડુપ્લેક્સ ખાતે રવાના કરવામાં આવી હતી. ફાયરની ટીમ ત્યાં પહોંચતાં ગેસનો બાટલો ફાટ્યો હોવાની કોઈ ઘટના બની નહોતી. ફેક કોલ જાહેર થતાં ફાયરની ટીમ પરત આવી ગઈ હતી.

ગઈ કાલે રાતે ૧૦.૪૫ વાગ્યે કંટ્રોલ રૂમમાં તે જ નંબર પરથી પંકજ ત્રિવેદી નામની વ્યક્તિએ ફોન કરી વાસણા બસ સ્ટેન્ડ પાસે બે કાર વચ્ચે જોરદાર અકસ્માત થયો છે અને કારમાં આગ લાગી છે, એક વ્યક્તિ ફસાઈ ગઈ છે તેવું જણાવતા એક મિનિ ફાઈટર, રેસ્ક્યુ વાન અને એમ્બ્યુલન્સને રવાના કરવામાં આવી હતી.

પોલીસને પણ જાણ કરતાં વાસણા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચતાં કોઈ અકસ્માતની ઘટના બની ન હતી તેવું ધ્યાને આવ્યું હતું. ફાયરના જવાનોએ કંટ્રોલ રૂમમાં પંકજ ત્રિવેદીના નામે આગનો ફેક કોલ કરનારનો મોબાઇલ નંબર પોલીસને આપ્યો છે છતાં પોલીસ નંબર ટ્રેસ કરી આ વ્યક્તિને શોધી શકી નથી.

આગ જેવી ગંભીર ઘટનાને ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં કર્મચારીઓ ગંભીરતાથી લઈ તાત્કાલિક મદદ મોકલી આપે છે પરંતુ આવા ફેક કોલમાં તે જ સમયે તે જ વિસ્તારમાં આગનો સાચો બનાવ બને ત્યારે ફાયરની ટીમ ત્યાં પહોંચી શકતી નથી અને અન્ય વિસ્તારની ફાયરની ટીમને જાણ કરવી પડે છે.

અન્ય ટીમને આવતાં વાર લાગે છે જેથી ઘટના સ્થળે પહોંચતાંં વાર લાગે છે. પોલીસ પણ આ બાબતને બહુ ગંભીરતાથી ન લેતા ફાયર બ્રિગેડને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

You might also like