પાલડીમાં કોંગ્રેસના બે ઉમેદવારોના ફોર્મ રદઃ લાંભામાં કાળુભાઈનું ફોર્મ રદ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પત્રો ભર્યા હતા. જેમાં આજે ઉમેદવારી પત્રક ચકાસવાનો પથમ દિવસ હતો. જેમાંથી ઘણા લોકોના પત્રો રદ થયા હોવાનું જાણવા મળ્યું છે.  રાજયમાં સ્થાનિક સ્વરાજયની જાહેર થયેલી ચૂંટણીઓ અંતર્ગત આગામી ૨૨મી નવેમ્બરે રાજયની ૬ મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાશે ત્યારે રવિવારના રોજ ૬ મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોનો પોતાની ઉમેદવારી નોંધાવવા ભારે ધસારો જોવા મળ્યો હતો. ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે ૬ મહાનગરપાલિકાઓમાં કુલ  ૩૧૪૭ ઉમેદવારી પત્રો ભરાયા હતા.

આ સાથે અત્યાર સુધીમાં કુલ ૪૭૭૯ ઉમેદવારી પત્રો ભરાયા છે. જે-તે મહાનગરપાલિકામાં આજે ભરાયેલા ૩૧૪૭ ઉમેદવારી પત્રોમાંથી અમદાવાદ મહાનગરપાલિકામાં ૯૩૩ ( કુલ ૧૬૪૦) ઉમેદવારી પત્રો ભરાયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારી પત્રો ચકાસવાના પ્રથમ દિવસે પાલડી વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર જયેશ પટેલનો ઉમેદવારી ફોર્મ રદ  થયું છે.  મતદાર યાદીમાં ઉમેદવારનું નામ ન હોવાથી ફોર્મ રદ થયું હોવાનું જાણવા મળ્યું છે. જયેશ પટેલના બદલે અનંત પટેલ કોંગ્રસના સત્તાવાર ઉમેદવાર બનશે. ત્યારે પાલડી વોર્ડના કોંગ્રેસના બીજા ઉમેદવાર સુનિલ મહેતાનું પણ ફોર્મ ટેકનિકલ કારણસર રદ થયું હોવાનું બહાર આવતા પાલડી વોર્ડમાં કોંગ્રેસની મુશ્કેલી વધી છે.

લાંભાના અપક્ષ ઉમેદવાર અને સીટિંગ કોર્પોરેટર કાલુભાઈ ભરવાડનું ફોર્મ રદ થતા ભાજપ અને કોંગ્રેસને ફાયદો થયો હોવાનું જાણવા મળ્યું છે. નવી મતદાર યાદીની ભૂલોથી ઉમેદવારોને નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. સૌથી વધુ રામોલ-હાથીજણ વોર્ડમાં અપક્ષ ઉમેદવારનાં ૩ ફોર્મ રદ થયા છે. એક ઉમેદવાર બીજાના ટેકેદાર તરીકે સહી કરતા આ ત્રણ ફોર્મ રદ કરવામાં આવ્યા છે. દાણીલીમડા વોર્ડમાં બે અપક્ષ ઉમેદવારના ફોર્મ રદ થયા છે. ભાજપના ઉમેદવારની સામે વાધો ઉઠાવ્યો પણ આરઓ દ્વારા વાંધાને ફગાવી દીધો છે.

You might also like