મુંબઈથી એમડી ડ્રગ્સ લઈને અાવેલા બે યુવક ઝડપાયા

અમદાવાદ: મુંબઇથી નવ લાખની કિંમતનું એમડી ડ્રગ્સ લઇને આવનાર બે શખસની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ૯ર ગ્રામ જેટલું ડ્રગ્સ જપ્ત કરી અમદાવાદમાં કોને વેચવાના હતા તે દિશામાં પૂછપરછ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને બાતમી મળી હતી કે લાલ દરવાજાની પટવા શેરીમાં રહેતા બે યુવકો મુંબઇથી કેટલુંક એમડી ડ્રગ્સ અમદાવાદ ખાતે લાવવાના છે. જેના આધારે પોલીસે તેઓ પર વોચ ગોઠવી હતી. દરમ્યાનમાં ગઇ કાલે મોડી રાત્રે બંને યુવક એમડી ડ્રગ્સ લઇ અમદાવાદ આવ્યા હતા ત્યારે વિશાલા-નારોડ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેને ઝડપી લીધા હતા.

પોલીસે તેઓની ઝડતી કરતાં તેમની પાસેથી આશરે નવ લાખની કિંમતનું ૯ર ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. બંને આરોપીઓની પૂછપરછ કરતાં આ ડ્રગ્સ તેઓ મુંબઇથી અમદાવાદ ખાતે વેચવા માટે લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ગુજરાત એટીએમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝાક જીઆઇડીસી ખાતેથી કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું હતું. જેમાં ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોર રાઠોડનું નામ ખૂલ્યું હતું. મહારાષ્ટ્રમાંથી આ એમડી ડ્રગ્સ સપ્લાય થતું હતું. જે અંગે ગુજરાત એટીએમ મહારાષ્ટ્ર પોલીસને જાણ કરતાં મહારાષ્ટ્ર પોલીસે પણ કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે હાલ બંને આરોપીઓની ધરપકડ કરી મુંબઇમાં કોની પાસેથી ડ્રગ્સ લાવ્યા હતા. તેમજ ભૂતકાળમાં ઝડપાયેલા ડ્રગ્સમાં આરોપીઓ સાથે કોઇ કનેકશન છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like