ટ્વિટરનો જોરદાર સપાટોઃ બે મહિનામાં સાત કરોડથી વધુ નકલી એકાઉન્ટ બંધ કર્યાં

સાન ફ્રાન્સિસ્કો: ટ્વિટરે અફવા અને હિંસા ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી કરીને માત્ર બે મહિનામાં જ સાત કરોડ કરતાં વધુ નકલી ખાતાંઓ બંધ કરી દીધાં છે. ટ્વિટરે મે અને જૂન મહિનામાં ખાસ અભિયાન ચલાવીને એવાં ખાતાંઓને ઓળખી કાઢ્યાં છે, જેનો ટ્રોલ અને અફવા ફેલાવવા માટે ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો.

ચીનની સમાચાર સંસ્થા શીન્હુઆના જણાવ્યા પ્રમાણે રાજકીય દબાણ વધવાના કારણે ટ્વિટરે આ કાર્યવાહી કરી છે. બીજા દેશોમાંથી કંટ્રોલ કરવામાં આવી રહેલા નકલી ટ્વિટર એકાઉન્ટ્સને મોનિટરિંગ કરવામાં નિષ્ફળતા બદલ અ‌મેરિકન સંસદમાં કોંગ્રેસે ‌ટ્વિટરની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

તેમણે જણાવ્યું હતું કે અફવા ફેલાવનારા આ ટ્વિટર એકાઉન્ટના કારણે અમેરિકાનું રાજકારણ પ્રભાવિત થઇ શકે છે. ટ્વિટર સૂત્રોના જણાવ્યા અનુસાર એકાઉન્ટ બંધ કરવાનો દર ઓકટોબરની તુલનાએ બમણાથી વધુ થઇ ગયો છે. છેલ્લ કેટલાક મહિનામાં એક દિવસમાં ૧૦-૧૦ લાખ ખાતાંઓ બંધ કરવામાં આવ્યાં છે. ભારતમાં પણ ટ્વિટર પર સૌથી વધુ ટ્રોલ થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા.

થોડા દિવસ પહેલાં કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ચતુર્વેદી અને તેમની પુત્રીને જાલી ટ્વિટર એકાઉન્ટ પરથી ધમકી આપવામાં આવી હતી એટલું જ નહીં, ભારતનાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને પણ ટ્રોલ કરવામાં આવ્યાં હતાં. ભારતમાં ટ્વિટરના ૩.૦૪ કરોડથી વધુ યુઝર્સ છે. ર૦૧૯ સુધીમાં તેમની સંખ્યા ૩.૪૪ કરોડથી વધી જવાનો અંદાજ છે.

ગયા મહિને ટ્વિટરે પોતાની પોલિસી બદલી હતી. ટ્વિટર પ્લેટફોર્મ પર નફરત અને હિંસા ભડકાવતી પોસ્ટ સામે કામ લેવા માટે ટ્વિટરે ગયા મહિને પોતાની પોલિસીમાં ફેરફાર કર્યો હતો. આ માટે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અને કર્મચારીઓની સંખ્યા વધારવાની જાહેરાત કરી હતી.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ડેલ હાર્વેએ જણાવ્યું હતું કે ટ્વિટર દ્વારા લોકોને વિશ્વસનીય, પ્રાસંગિક અને ઉચ્ચ ગુણવત્તાયુકત માહિતી મળી શકે તે હવે સુનિશ્ચિત કરવામાં આવશે. શકમંદ ખાતાંઓ પર ટ્વિટરની આ કડક કાર્યવાહીની અસર તેના યુઝર્સની સંખ્યા પર પડી શકે છે.

હજુ એપ્રિલ-જૂન કવાર્ટરના આંકડા આવવાના બાકી છે, જેમાં યુઝર્સની સંખ્યા ઘટી શકે છે. હવે એવી માગણી થઇ રહી છે કે વોટ્સએપ પર પણ કડક કાર્યવાહી કરવી જોઇએ, કારણ કે તેના પર પણ ખોટી અફવાઓ મોટા પાયે વાઇરલ કરવામાં આવી રહી છે, જેના કારણે હિંસા અને હત્યા થાય છે.

You might also like