અતિશય ગરમીથી તુવાલુમાં ત્વચાને બળતરા, સનસ્ક્રીન લોશન લેવા જવું પડે છે વિમાનથી

ફુનાફુટીઃ પ્રશાંત મહાસાગરમાં આવેલો તુવાલુ દુનિયાનો ચોથો સૌથી નાનો દેશ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અહીં તાપમાન વધી રહ્યું છે. અતિશય ગરમીનાં કારણે અહીં લોકોની ત્વચા સળગવાની સમસ્યા સામાન્ય છે. મોટી વાત એ છે કે આખા દેશમાં ક્યાંય સનસ્ક્રીન લોશન મળતું નથી અને તેને ખરીદવા માટે ફિજી સુધી વિમાન દ્વારા જવું પડે છે.

તુવાલુથી ફિજી જવામાં અઢી કલાક લાગે છે. તુવાલુ ઓસ્ટ્રેલિયા અને હવાઇની વચ્ચે આવેલો એક દ્વીપ છે. સંયુકત રાષ્ટ્રે તેને વિકાસશીલ દેશ જાહેર કર્યો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે અહીં સમુદ્રનો તટ વધી રહ્યો છે. દુષ્કાળ અને દર વર્ષે તાપમાન વધવાનો ખતરો રહે છે. રાજધાની ફુનાફુટી સ્થિત પ્રિન્સેસ માર્ગારેટ હોસ્પિટલ જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી બીમારીઓનાં નિદાનમાં સતત જોડાયેલું રહે છે.

આ બીમારીઓમાં વીતેલાં ૧૦ વર્ષમાં ખૂબ જ વધારો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંનું તાપમાન અસહ્ય હોય છે. લોકસ્વાસ્થ્ય વિભાગની કાર્યકારી પ્રમુખ સૂરિયા કહે છે કે દેશમાં હીટસ્ટ્રોક અને શરીરમાં પાણીની કમી અહીં સામાન્ય બાબત છે. તડકાથી બચવા માટે લોકો અહીં લાંબાં કપડાં પહેરે છે. તડકાથી બચવાનો અસરકારક ઉપાય મનાતું સનસ્ક્રીન લોશન દેશની કોઇ પણ દુકાન પર મળતું નથી.

દુકાનદારોનું કહેવું છે કે તેઓ સનસ્ક્રીન લોશન રાખતા નથી. દેશમાં જો કોઇ મહિલાઓને સનસ્ક્રીન લાવવું હોય તો તેમણે પાડોશી દેશ ફિજી જવું પડે છે. ખૂબ જ ગરમીનાં કારણે મહિલાઓ વધુ વૃદ્ધ દેખાઇ રહી છે. એક સ્થાનિક મહિલાએ જણાવ્યું કે તે માત્ર ૩ર વર્ષની છે, પરંતુ તે વૃદ્ધ દેખાવા લાગી છે. તેનું કારણ સનસ્ક્રીન લોશન ન મળ્યું તે છે.

આ ઉપરાંત એવી કોઇ પણ વસ્તુ નથી, જેનાંથી ત્વચાની સુરક્ષા કરી શકાય. આટલી ગરમીમાં અહીં સનસ્ક્રીન લોશન ન મળે તે આશ્ચર્યજનક છે, પરંતુ તે વિદેશી ઉત્પાદન હોવાનાં કારણે મોંઘું પણ છે. જો સરકાર ઇચ્છે તો તેના પર સબસિડી આપી શકે છે.

You might also like