તુર્કીના દરિયા કિનારે બે નૌકા ડૂબી જતાં ૩૩ પ્રવાસીનાં મોત

અંકારા: તુર્કીના એજિયન સમુદ્ર કિનારા પાસે સોમવારે બે નૌકાઓ ડૂબી જતાં ૩૩ પ્રવાસીઓનાં મૃત્યુ થયાં છે. ડોગન સમાચાર સંસ્થાના અહેવાલો અનુસાર પ્રવાસીઓને ગ્રીસના લેસબોસ ટાપુ પર લઇ જઇ રહેલી એક નૌકા તુર્કીની એદરેમીતની ખાડી પાસે ડૂબી જતાં ઓછામાં ઓછા રર પ્રવાસીઓનાં મોત થયાં હતાં. તુર્કીના તટરક્ષકોએ જોકે આ દુર્ઘટનામાં ચાર પ્રવાસીઓને બચાવી લીધા હતા. એક અન્ય ઘટનામાં ઇજમીરના દીકલી સમુદ્રકાંઠા પાસે એક અન્ય નૌકા ડૂબી જવાથી ૧૧ પ્રવાસીઓનાં મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં પણ તટરક્ષકોએ ત્રણ પ્રવાસીના જીવ બચાવી લીધા હતા. દરમિયાન તટરક્ષકોએ બંને દુર્ઘટનામાં ડૂબી ગયેલા પ્રવાસીઓના મૃતદેહો સમુદ્રમાંથી શોધવા માટે એક ઓપરેશન હાથ ધર્યું હતું.

You might also like