તુલસી પૂજનથી મળે છે મોક્ષ

તુલસીના છોડથી કોઈ અજાણ્યું હશે ખરું? નકારમાં જવાબ કોઈથી નહીં મળે. અર્થાત્ તુલસીજીનું ખૂબ વ્યાપક રીતે સમાજમાં વ્યાપ્ત છે. આપણે તુલસીજીની પૂજા આરાધના શા માટે કરીએ છીએ? કારણ તો એ છે કે તુલસીજી ભગવાન વિષ્ણુના, શ્રીકૃષ્ણના અત્યંત પ્રિય સખી છે. તુલસીનાં ફૂલ અર્થાત્ તુલસીની માંજર તથા તેનાં પાંદડાં ભગવાન શ્રીકૃષ્ણના મુખ કમળ ઉપર નહીં, પરંતુ તેમનાં ચરણ કમળમાં ચડાવવામાં આવે છે. તુલસીજી ભગવાનના શુદ્ધ ભક્ત છે.

તુલસી સર્વ પ્રકારનું મંગળ કરનાર છે. બીલીપત્રથી જેમ તેમનાં સ્મરણથી, દર્શનથી, સ્પર્શ કરવાથી કે પ્રાર્થના કરવાથી દરેક રીતે મંગળ થાય છે. જે કોઈ તુલસીના ઉપરની રીતે સીધા તથા સતત સંપર્કમાં રહે છે તે મૃત્યુ પછી શાશ્વતરૂપે વૈકુંઠમાં વસે છે. એમ કહેવાય છે કે જો કોઈ તુલસીજીની પ્રાર્થના કરે છે કે તુલસીજીનાં બીજ વાવે છે કે તુલસીજીનો છોડ ઉછેરે છે તે સર્વ અપરાધથી મુક્ત થઈ જાય છે.

તુલસીનાં પાન ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે. બધાં વિષ્ણુ તત્ત્વો વિગ્રહોની સેવામાં તુલસીજી ખૂબ પ્રચુર માત્રામાં જોઈએ. જો કોઈ ભગવાનનાં ચરણોમાં ચંદનયુક્ત તુલસી અર્પિત કરે તો તે ભગવાન વિષ્ણુને સર્વશ્રેષ્ઠ ભક્ત છે. તે જ સાચો વૈષ્ણવ છે. ભગવાન વિષ્ણુ તથા તેમના અવતારો સિવાય બીજા કોઈને તુલસી પત્ર કે તુલસી મંજરી ચડાવી ન શકાય.

શાસ્ત્રો તો એમ કહે છે કે તુલસી મંજરી કે તુલસી પત્ર રાધા રાણીને પણ ચડાવી શકાતાં નથી. તે તો ફક્ત ભગવાન વિષ્ણુનાં ચરણ કમળ માટે જ જાણે સર્જાયાં છે. જોકે  ઘણા ભક્તો રાધાજીના હાથમાં તુલસી પત્ર રાખે છે. જેથી રાધાજી પોતે તે તુલસી પત્ર ભગવાનનાં ચરણોમાં અર્પણ કરી શકે. તુલસી ભગવાન વિષ્ણુનાં નિત્ય સંગિની છે. તે ભગવાનનો સર્વ શ્રેષ્ઠ ભક્ત છે. કદાચ એટલે જ વૈષ્ણવો તુલસીને ખૂબ પૂજનીય ગણે છે. ભગવાનનાં ભક્તો તુલસીના છોડની પૂજા-અર્ચના, જળસિંચન, આરતી કરે છે. આ કોઈ સાધારણ છોડ નથી. આ તો ભગવાનનાં પ્રિયમાં પ્રિય સખી છે.

તુલસીની સૂકી ડાળીમાંથી જાપમાળા બનાવી શકાય છે. તુલસીની માળાથી ભગવાન વિષ્ણુનો દ્વાદશાક્ષરી મંત્ર જપવામાં આવે તો ભગવાન વિષ્ણુ બહુ જલદી પ્રસન્ન થાય છે. તુલસીનું એક નામ વૃંદા છે. વૃંદા એટલે બધા છોડ અને વૃક્ષોનાં દેવી. વૃંદાવની એટલે  વૃંદાવનમાં સૌ પ્રથમ પ્રગટ થનાર… તો તુલસી એટલે અતુલનીય. જેની કોઈ જ તુલના ન થશે શકે તે. જે જગાએ તુલસીનો છોડ હોય છે તે ઘર બધા તીર્થસ્થળ કરતા પણ અધિક પવિત્ર મનાય છે. પર્યાવરણની દૃષ્ટિએ પણ તુલસીનો છોડ મહત્ત્વનો છે. તુલસીને કારણે વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. એટલે વૈજ્ઞાનિકો પણ તુલસીના છોડને ઉગાડવાની હિમાયત કરે છે.

કોંકણ વિસ્તારમાં કારતક મહિનામાં થતાં તુલસી વિવાહમાં તુલસીના છોડની બાજુમાં થોડી શેરડી તથા આમળાં મૂકવામાં આવે છે. દિવાળી બાદ થતાં આ પહેલો પાક છે. એટલે તુલસી અને શ્રીકૃષ્ણને તે ધરાવવાની પરંપરા અહીં છે. જે વિસ્તારોમાં તુલસી કે શાલિગ્રામ નથી હોતા ત્યાં બે નાના છોડને તુલસી તથા કૃષ્ણના પ્રતીકરૂપે લેવામાં આવે છે. તેમને સ્નાન કરાવીને હળદર તથા કંકુ ચઢાવીને ફૂલ હારથી શોભિત કરવામાં આવે છે.

 

છેવટે બધી વિધિ પત્યા બાદ આરતી કરીને મીઠાઈનો પ્રસાદ વહેંચવામાં આવે છે. દક્ષિણામાં ચોખાના લોટમાં ગોળ તથા નાળિયેરનું પૂરણ ભરીને તેને બાફીને ખાસ મીઠાઈ બનાવવામાં આવે છે. •
શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like