ટ્યૂશન કરતા નથી તેવું સોગંદનામું નહીં કરનાર અધ્યાપકને પગાર નહીં!

અમદાવાદ: રાજ્યભરની ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત પ્રોફેસરો ઉપર એ ટ્યૂશનના મુદ્દે સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઉચ્ચ શિક્ષણ કચેરીએ દર મહિને પ્રોફેસરો ટ્યૂશન ન કરાવતા હોવાનું સોગંદનામું મોકલવા કડક તાકીદ કરી છે. આદેશ પહેલાં પણ અમલી હતો પરંતુ કોલેજ સંચાલકો દર મહિને સોગંદનામું મોકલવાના મુદ્દે ઠાગાઠૈયા કરતા હતા, પરંતુ શિક્ષણ વિભાગોએ કોલેજનો પગાર બંધ કરી દેવાની ધમકી આપી છે.

શિક્ષણ વિભાગને અવારનવાર ફરિયાદો મળતી હતી કે ગ્રાન્ટેડ કોલેજમાં પ્રોફેસરો ટ્યૂશન કરાવે છે કેટલાક પ્રોફસરો કોચિંગ કલાસીસ સાથે જોડાયેલા હોવાની ફરિયાદ પણ મળતી હતી. આ ફરિયાદને ધ્યાને લઇને ઉચ્ચ શિક્ષણ કચેરીએ પરિપત્ર જાહેર કર્યો છે તમામ ગ્રાન્ટેડ કોલેજોના આચાર્યોને મોકલવામાં આવ્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ હવેથી દર મહિને પગારના ડેટા સાથે કોલેજના અધ્યાપક ટ્યૂશન કરાવતા નથી તે અંગેનું સોગંદનામું મોકલવાનું રહેશે. પગારના ડેટા સાથે સોગંદનામું નહીં મોકલે તો પગાર બંધ કરી દેવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીના અધિકારી એચ.ડી. સોનારાએ કહ્યું હતું કે રાજ્યમાં કુલ ૩પ૬ ગ્રાન્ટેડ કોલેજો છે. આદેશ હોવા છતાં કોલેજ તરફથી સોગંદનામું પગારપત્રકની સાથે રજૂ કરવામાં આવતું નહોતું. અનેક કોલેજો તેનું પાલન કરતી નહોતી તેથી સરકારે કડક વલણ અપનાવતો બીજો પરિપત્ર જારી કર્યો છે.

You might also like