જીટીયુની આન્સરશીટની ચોરીનો પ્રયાસ કરાયો

અમદાવાદ: ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીની આન્સરશીટ ભરેલી આઇશર ટ્રકમાંથી આજે વહેલી સવારે ચોરીનો પ્રયાસ થયો છે. જમાલપુર ફૂલબજાર પાસેથી આન્સરશીટ ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી ત્યારે કેટલાક યુવકો તેમાં ચડી ગયા હતા અને બોકસને ખોલી ફેંદયાં હતાં. જોકે યુવકો આન્સરશીટની ચોરી કરવા આવ્યા હતા કે કોઇ અન્ય સામાન છે સમજીને ચોરી કરવા આવ્યા અને કાગળિયાં જ હાથ લાગ્યાં હતાં. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

ત્રણેક દિવસ બાદ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવ‌િર્સટીની ડિપ્લોમા, એમઇ, બી.ઇ.ની પરીક્ષા શરૂ થઇ રહી છે. એથી પરીક્ષાની આન્સરશીટ છાપવા આપેલ કોન્ટ્રાકટર આજે સવારે આઇશર ટ્રકમાં આન્સરશીટનાં બોકસ ભરીને ગુજરાત ટેકનોલોજી યુનિ.ની ચાંદખેડા ખાતેની ઓફિસે પહોંચાડવા જઇ રહ્યા હતા. દરમિયાનમાં જમાલપુર ફૂલબજાર પાસે ટ્રક આવતાં કેટલાક યુવકો ટ્રકમાં ચડી ગયા હતા અને ટ્રકમાં રહેલાં બોકસને ખોલીને ફેંદયાં હતાં. જીટીયુનાં સૂત્રોના જણાવ્યા મુજબ બોકસમાંથી કેટલીક કોરી આન્સરશીટ યુવકો લઇને ફરાર થઇ ગયા હતા. બીજી તરફ આ અંગે જીટીયુના અધિકારી તેમજ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કપિલ નકુમે જણાવ્યું હતું કે જીટીયુની કોરી આન્સરશીટ સપ્લાયર લઇને જતો હતો ત્યારે કેટલાક યુવકોએ ટ્રકમાં ચડી બોકસમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો. હાલમાં આ અંગે જીટીયુના અધિકારીને જાણ કરાતાં તેઓના આવ્યા બાદ કોઇ આન્સરશીટની ચોરી થઇ છે કે બોકસમાં આન્સરશીટ સલામત છે તે તપાસી ફરિયાદ નોંધાશે.

જીટીયુના રજિસ્ટ્રાર જે. સી. લીલાણીએ જણાવ્યુું હતું કે હાલમાં જીટીયુની આન્સરશીટ સપ્લાયર લઇને આવતો હતો અને તેમાંથી ચોરી થઇ હોવાની જાણ થઇ છે. જો આન્સરશીટની ચોરી થઇ હશે તો ચોક્કસ જીટીયુ દ્વારા ફરિયાદી બની ફરિયાદ નોંધાવવામાં આવશે.

You might also like