કાશ્મીર સરહદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઠાર

શ્રીનગર: જમ્મુ કાશ્મીરની સરહદે ઘૂસણખોરીની નાપાક હરકત હજુ પણ જારી છે. ગઈ કાલે મોડી રાત્રે જમ્મુના પરગવાલ સેક્ટરમાં બીએસએફે ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા એક શખસને ઠાર માર્યો હતો. આ ઘૂસણખોર પરગવાલ વિસ્તારમાં સરહદ ઓળંગવાની કોશિશ કરી રહ્યો હતો, પરંતુ સરહદ પર જ તેને ઠાર મારવામાં આવ્યો હતો.

આ ઘૂસણખોર શખ્સની ઉંમર ૪૦થી ૪૫ વર્ષની હોવાનું જણાવાય છે તેની પાસેથી શસ્ત્રો અને વિસ્ફટકો મળી આવ્યાં છે. બીએસએફના પ્રવકતાના જણાવ્યા અનુસાર આ ઘૂસણખોર શખ્સ રાત્રે ચાદર ઓઢીને સરહદની તરફ આગળ વધી રહ્યો હતો. બીએસએફના જવાનો તેની ઓળખ પૂછતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. તે સરહદ તરફ આગળ વધવાનું ચાલુ રાખતાં બીએસએફના જવાનોએ તેને ગોળી મારીને ઠાર માર્યો હતો.

એક અન્ય ઘટનામાં કઠુઆ વિસ્તારમાં પાકિસ્તાની મૂળનો એક નાગરિક ઝડપાઈ ગયો છે. આ શકમંદનું નામ અજહર છે. ૩૦ વર્ષનો આ શખસ માનસિક બીમાર હોવાનું જણાવાય છે. પાકિસ્તાનમાં આજ કાલ લશ્કર-એ-તોઈબાના સૂત્રધાર હાફિઝ સઈદ પર સખતાઈથી કામ લેવામાં આવી રહ્યું છે તેને ધ્યાનમાં લઈને સુરક્ષા એજન્સીઓને એવી આશંકા છે કે ત્રાસવાદીઓ હવે ઘૂસણખોરી કરીને કાશ્મીરમાં આશ્રય લેવાની કોશિશ કરશે.

સુરક્ષાદળોએ આ માટે સરહદે ચેકિંગ સઘન બનાવ્યું છે. ૨૦-૨૧ ફેબ્રુઆરીની રાત્રે પણ રાજૌરીના કેરી સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને સુરક્ષા દળોએ નાકામિયાબ બનાવી હતી. અથડામણમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો, જ્યારે ત્રણ આતંકીઓએ પાકિસ્તાન તરફ પરત ભાગવું પડ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like