ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે! વશિષ્ઠ જેવા ઋષિએ શુભ મુહૂર્ત નહીં કાઢ્યું હોય? એટલે જ આપણે કહીએ છીએ કે આવતી કાલની કોને ખબર છે! આમ જુઓ તો જિંદગીની કથાના પ્રત્યેક પાનાં પરની વાત અગાઉથી જાણી કે પામી શકાતી નથી એ જ સત્ય જિંદગીને રસભરી અને રોમાંચક બનાવે છે.
ભગવાન કૃષ્ણની પાસે એક સુદર્શન ચક્ર છે. પ્રતિદ્વંદ્વી જ્યારે માનમર્યાદા ચૂકે ત્યારે શ્રી કૃષ્ણનું સુદર્શન ચક્ર ધડથી માથું છૂટું પાડી દે. સામાન્ય માણસ પાસે એવું જ એક સુદર્શન ચક્ર છે તેનું અજેય આત્મબળ બીમારમાં બીમાર માણસની પાસે એ મૂડી હોય છે. મહાભારતમાં પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી કેવા કેવા વિષમ સંજોગો અને મરવાનું મન થઈ જાય એવી અગ્નિપરીક્ષાનો સામનો કરે છે?
પ્રથમ દૃષ્ટિએ લાગે કે શ્રીકૃષ્ણ તેની સાથે છે એટલે એ તો દરેક અગ્નિપરીક્ષામાંથી બાલબાલ બચી જ જાય ને? બચી જાય પણ એના સ્વમાન અને ગૌરવને જે ધક્કો વાગે એનું શું? દરેક માણસની પાસે તેનું પોતાનું જે આત્મબળ છે તેની ઉપર પરમાત્માનું રક્ષા-છત્ર હોય જ છે. તમે ચાહો તો ઈશ્વરમાં માનો, ઈશ્વરમાં માનવું ન હોય તો જરૃર ન માનો પણ તમે સત્ય અને શુભના અંતિમ વિજયમાં તો માન્યા વગર રહી જ ન શકો.
સત્ય અને શુભનો વિજય કેવી રીતે થાય છે તેનો ભેદ આપણે તર્કની દૃષ્ટિએ પામી શકતા નથી. ‘સત્યમેવ જયતે’-એને રખે કોઈ લુખ્ખું આશ્વાસન સમજે! માનવજાતનો અનુભવ છે કે આસુરી શક્તિઓ, અન્યાય અને દમન કરનારાં પરિબળો, ચંગેઝખાન કે હિટલર જેવા સરમુખત્યારોની આતંકલીલા-એ બધા પછી એમનો નાશ અચૂક થાય છે. અશુભ પર અસત્ય પર છેવટે શુભ અને સત્યનો વિજય થાય છે.
સ્વ. મેઘાણી બહુ લાંબું તો જીવ્યા નહીં પણ એવું બને છે કે ટૂંકું જીવેલા તેમના પ્રદાનથી અમર બની જાય છે! એમાં કોઈક સ્વામી વિવેકાનંદ પણ હોય.અંગત સુખદુઃખની નોંધપોથી-ડાયરીમાં જિંદગીની સંપૂર્ણ કથા સમાઈ જતી નથી. રમત રમ્યા વિના પાનું નકામું ગણીને ફેંકી દેશો તો એ નકામું જ જશે. તમે નિરાશાને તાબે થઈને પાનું ફેંકી દેશો તો તમે સફળતાની શક્યતાનું એક પાનંુ અકારણ રદ કરી નાખ્યું એમ જ કહેવાય!
કેટલાક મેદાન છોડીને ભાગી છૂટે છે. પણ કેટલાક તો ગમે તેવા કઠિન સંજોગોમાં નાસી જતા નથી. વ્યૂહાત્મક રીતે ભગવાન કૃષ્ણ ‘રણછોડ’ બને પણ તે કાયરતા નથી, એક વ્યૂહમાત્ર છે. ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ જોઈને ગભરાઈ ન જાય તેને મૃત્યુ નહીં, મોક્ષનું દ્વાર સમજે.
જેમ સૈનિક યુદ્ધમાં મરી પણ જાય તેમ સામાન્ય માનવી પણ એવી જ ગતિને પામે. જે મક્કમ બનીને લડે છે તેના વિજયની આશા રાખી શકાય- જે સામનો કર્યા વિના ભાગી છૂટે છે તેને માટે તો વિજયની શક્યતા જ ક્યાં રહી?દરરોજ રાત્રિના અંધકારને સૂર્ય વિખેરી નાખીને પ્રકાશ ફેલાવે છે. એવો જ એક સૂર્ય માણસના અંતરાત્મામાં છે જે અશ્રદ્ધાનો અંધકાર છેદીને આત્મશ્રદ્ધાનો પ્રકાશ પાથરે છે. એ તેજ જ માનવીનું અજેય બળ છે.
– ભૂપત વડોદરિયા (પથદર્શક સમભાવ મીડિયા લીમિટેડ)