નિભાવેલા સંબંધો જીવનની અમૂલ્ય મૂડી છે…

કોઈ પણ સંબંધ બાંધવાનું કામ સહેલું છે. તેને નિભાવવાનું કામ મુશ્કેલ હોય છે

  • ભૂપત વડોદરિયા

એક મિત્રે કહ્યું, ‘તમને એવું નથી લાગતું કે સંબંધો સહેલાઈથી બંધાઈ જાય છે. સંબંધો બાંધવાનું બહુ મુશ્કેલ નથી, પણ સંબંધો જાળવવાનું અને સાચવવાનું કામ મુશ્કેલ હોય છે.

વાત તો સાચી છે. અચાનક કોઈક સોસાયટીમાં કે બજારમાં બે વ્યક્તિનો ભેટો થાય છે. એક વ્યક્તિ પૂછે છે તમે ક્યાંના?’ જવાબ મળે છે કે, ‘અમે ભાવનગરનાં.બીજી વ્યક્તિ કહે છે કેમ, અમે પણ ભાવનગરના જ છીએ.એક જ ગામના-એક જ શહેરના… એક કડી ઊભી થઈ ગઈ. પછી તો બન્ને ઘણી બધી વાતો કરે. કેટલા દીકરા, કેટલી દીકરી, કુટુંબમાં બીજું કોણ કોણ છે, ક્યાં નોકરી કરો છો કે કરતા હતા. અત્યારે શું કરો છો વગેરે વગેરે.

એક સંબંધની શરૂઆત થઈ ચૂકી. આવા તો અનેક સંબંધોની શરૂઆત થાય છે, પણ પછી તે મુદ્દલ આગળ વધતા નથી. કાચા ફળની જેમ તે ખરી પડે છે, પણ કેટલાક સંબંધોનું ફળ પાકે છે. એ સંબંધો ચાલુ રહે છે, ગાઢ બને છે. પરિપક્વતા પ્રાપ્ત કરે છે. સંબંધો બાંધવાનું મુશ્કેલ નથી જ, પણ સંબંધને લાંબી આવરદા મળે, તે જીવતાં રહે, તે સાર્થક બને તેવી તેની માવજતનું કાર્ય કંઈક મુશ્કેલ હોય છે.

આપણે કોઈની વાત કરીએ ત્યારે આપણને કહેવામાં આવે – તમારી વાત સાચી છે. એક સમય એવો હતો કે એ બન્ને મિત્રોને એકબીજાનું મોં જોયા વગર ચાલતું નહોતું. કશા જ કામ કે કારણ વગર બન્ને સવારે મળે, બપોરે ફોન પર વાત કરીને એકબીજાના ખબરઅંતર પૂછે અને વળી પાછા સાંજે પણ મળી એક મિત્ર બીજા મિત્રને ત્યાં જમવા પણ બેસી જાય. અલગ રહેતા બે સગા ભાઈઓ વચ્ચે જેટલો ગાઢ સંબંધ હોય તેથી પણ વધુ ગાઢ સંબંધ આ બે મિત્રોનો. કોણ જાણે શું બન્યું તે બન્નેનો ગાઢ સંબંધ કાચના વાસણની જેમ ફૂટી ગયો અને એ કાચની ઝણીઝણી કરચો બન્નેને આંખમાં અને પગમાં વાગવા માંડી. પછી તો એવી ગાંઠ પડી ગઈ કે એક મિત્ર બીજા મિત્રને જોઈને જ મોં ફેરવી લે. એમ જ લાગે કે કદી ઓગળી જ ના શકે તેવાં હિમ જેવો એ સંબંધ બની જાય. એકબીજા સામે જોવાનું નહીં. નજર પડી હોય તો ભૂત કે પ્રેત નજરે પડ્યું હોય એમ આંખ જ ફેરવી લેવાની. એકબીજાનો નામોલ્લેખ પણ ક્યાંય નહીં કરવાનો. જાણે એકબીજા એકબીજાને કદી મળ્યા જ નથી, જાણે ઓળખતા જ નથી. એક સમયે એકબીજાના અત્યંત નજીક, હાથમાં હાથ મિલાવીને, ખભેખભા મિલાવીને ચાલતાં મિત્રો જાણે એકબીજાથી દૂર જ ભાગે.

બે મિત્રો વચ્ચેનો ગાઢ સંબંધ તૂટીને ચૂરચૂર થઈ ગયો અને તેની સાથે બન્ને કુટુંબના બધા જ સભ્યો વચ્ચેનો સંબંધ પણ જાણે કે ખતમ થઈ ગયો. બન્ને મિત્રોની પત્નીઓ જે એક સમયે સગી બહેનો જેવો વ્યવહાર કરતી હતી તેમણે અનિચ્છાએ પણ એ સંબંધ કાપી નાંખ્યો. કાપી નાંખવો પડ્યો. સંબંધની હોળી કરી બેઠેલો એક મિત્ર ઘરમાં કહેશે – ખબરદાર, એ લોકો સાથે કોઈ જ સંબંધ ના જોઈએ. કોઈએ સામા પક્ષના કોઈ પણ સભ્યની સામે જોવાનું પણ નહીં, ખબરઅંતર પૂછવાની વાત તો ના જ હોય, પણ એકબીજાની સામે મોં પણ નહીં મલકાવવાનું ! જાણે એકબીજાને ઓળખતા જ નથી એવો જ વ્યવહાર કરવાનો ! મને ખબર પડશે કે આપણા ઘરની કોઈ પણ વ્યક્તિ મારા એ કાળમુખા સંબંધી સાથે બોલી પણ છે કે હસી પણ છે તો મારા જ ઘરની એ વ્યક્તિને હું ઘરમાંથી કાઢી મૂકીશ! કહીશ કે જા, ચાલી જા ! દુશ્મનની છાવણીમાં જા. ત્યાં જ રહેજે. મારા ઘર સામે નજર પણ ન કરજે.

જે સંબંધ અત્યંત નિકટનો હતો તે દુશ્મનીમાં ફેરવાઈ ગયો. એક સમયે સંબંધ બાંધતાં બંધાઈ ગયો અને પછી એ એવો તૂટ્યો કે ફરી સાંધવાનું મુશ્કેલ થઈ પડે. મિથ્યાભિમાનની એક ઊંચી અભેદ્ય દીવાલ ઊભી થઈ જાય. કોઈકે સાચું જ કહ્યું છે કે, સંબંધ નિભાવવાની ત્રેવડ ના હોય તો એવો સંબંધ બાંધવાનો જ નહીં. એક વાર સંબંધ બાંધ્યો, પણ પછી તેમાં એક પછી એક ગાંઠ પડવાની હોય તો એવા સંબંધનો અર્થ જ શું ?

કોઈ પણ સંબંધ બાંધવાનું કામ સહેલું છે. તેને નિભાવવાનું કામ મુશ્કેલ હોય છે. મુશ્કેલ એટલા માટે બની રહે છે કે, ગમે તેવા ગાઢ સંબંધમાં પણ અંતરાયો, મુશ્કેલીઓ આવી જ પડે છે. આવા અંતરાયો અને મુશ્કેલીઓને ટપી જવાનું કામ અઘરું બની રહે છે, કારણ કે સંબંધને નિભાવવા માટે ભરપૂર સહાનુભૂતિ અને નમ્રતા જોઈએ. એ નથી હોતા ત્યારે ખોટું અભિમાન પગની બેડી બની રહે છે. કેદીના પગમાં જેવી બેડીઓ પહેરાવવામાં આવે છે એવી જ બેડીઓ માણસો પોતાની જાતે જ પહેરી લે છે અને પોતે પોતાની જાતે કદી એ બેડીઓ છોડી શકતા નથી.

એટલે જ તો સંબંધો બાંધવાનું કામ સહેલું છે, પણ તેને નિભાવવાનું, તેને વધુ ગાઢ બનાવવાનું અને વચ્ચે આવતી વિપત્તિઓને પાર કરવાનું મુશ્કેલ હોય છે. આથી અનેક સંબંધો બંધાય છે, પણ જન્મ્યા પછી થોડાક જ દિવસમાં મરી જાય છે. કેટલાક સંબંધો મૃત બાળકની જેમ જન્મે છે અને કેટલાક સંબંધો અત્યંત નિર્બળ બાળકની જેમ જન્મ્યા પછી ધીરેધીરે તંદુરસ્તી પ્રાપ્ત કરે છે અને નિરોગી બાળકની જેમ લાંબું આયુષ્ય અને સરસ આરોગ્ય ભોગવે છે. કેટલાક સંબંધો માંદા પડે છે, પણ તરત જ તંદુરસ્તી પ્રાપ્ત કરી લે છે. કેટલાક જન્મ ટાણે નિરોગી હોય છે, પણ ટૂંક સમયમાં ગંભીર જીવલેણ રોગનો ભોગ બને છે.

સંબંધને જિવાડવો ના હોય, નભાવવો ના હોય તો બાંધવો જ ના જોઈએ. જન્મ આપવો અને પછી તેને કોઈ પણ બહાને મારી નાખવો એ કરતાં એવા સંબંધને જન્મ જ ના આપવો એ વધુ સારું છે, કેમકે સંબંધો તૂટે છે ત્યારે બન્ને પક્ષના ગમે તેવા અભિમાન છતાં બન્નેને નુકસાન પહોંચાડે છે.

પહેલું તો એ કે માનવસંબંધોની સાર્થકતામાંથી વિશ્વાસ અને શ્રદ્ધાને જ ઉઠાવી નાખે છે. સારો સંબંધ કેસર નાખેલ દૂધના પ્યાલા જેવો હોય છે. તેમાં શંકા-અશ્રદ્ધાના ઝેરનું એક ટીપું પડે છે અને એ દૂધ પીવા જેવું રહેતું નથી. આત્મરક્ષાની ગુપ્ત લાગણી તેને ઢોળી નાખવા મજબૂર બનાવી દે છે.

એટલે જ એક કહેવત છે કે, ન રહે શિર, ન રહે શિર કા દર્દ! સંબંધ છે તો પીડા છે. માથું વાઢી ના શકાય. પીડાની કોઈ સંભવિતતાને ધ્યાનમાં રાખીને માથું આપણે વાઢતા નથી. માથું છે તો પીડા પણ સંભવિત છે. સંબંધ છે તો તેમાં પણ નાની-મોટી પીડાને અવકાશ રહે જ છે. પગ દુખે તેથી કાંઈ આપણે પગ કાપી નાખતા નથી. હાથ કળતા હોય તો તેની પીડાનો ખ્યાલ કરીને આપણા પોતાના હાથ કાપી નાખવાનું દુસાહસ આપણે કરતા નથી.

જે વાત શરીરની પીડાને લાગુ પડે છે તે જ મનની પીડાને પણ લાગુ પડે છે. મન છે તો સંબંધો પણ છે. તેમાં જે કાંઈ સારું-ખરાબ હોય તેનો નિઃસંકોચ સ્વીકાર કરવો જ પડે. એ જ જીવન છે, પણ જીવન છે તો આપણે છીએ. આપણે છીએ તો સુખદુખના ગમતા-અણગમતા મહેમાનો આવવાના. બન્નેને સાંખી લેવા પડે અને સાચવવા પણ પડે. એટલે જ તો ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે, સુખદુખમાં સમતા-સમતુલા રાખવી. સંબંધોમાં જન્મતી પીડાને સહેવાનો અને પાર કરવાનો એ જ તો એક માર્ગ છે. સ્વાર્થ અને અભિમાનની ઉપરવટ જઈને સંબંધોને તો જિવાડવા જ પડે.

——————————-.

You might also like