તૃષાલી-દિવ્યાની અાત્મહત્યા અંગેનું રહસ્ય હજુ અકબંધ

અમદાવાદ: શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી બે બહેનપણીઓની સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરવાના કિસ્સામાં રખિયાલ પોલીસ હજુ પણ દિશાવિહિન છે. પોલીસ બંને વિદ્યાર્થીઓએ શા માટે અાત્મહત્યા કરી તેનું કારણ જાણવા મળ્યું નથી. પોલીસે રખિયાલ રોડ પરના તમામ સીસીટીવી ફૂટેજ ઉપરાંત કોલ રેકોર્ડ્સની પણ તપાસ કરી છે પરંતુ હજી સુધી કોઈ ખાસ કડી મેળવવામાં તેઓને સફળતા મળી નથી.

ગોમતીપુરની માતૃછાયા સ્કૂલમાં ધો.૧૦ અને ધો.૧૨માં અભ્યાસ કરતી દિવ્યા અને તૃષાલી નામની બંને વિદ્યાર્થિનીઓએ થોડા દિવસ અગાઉ સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી લીધી હતી. જે મામલે તેના પરિવારજનોએ દિવ્યાના મિત્ર ભાગ્યેશ પર અાક્ષેપ કર્યો હતો કે છેલ્લે તેને ફોન કર્યો હતો અને હત્યા કરાઈ હોઈ શકે.

પોલીસે બંને વિદ્યાર્થિનીઓની લાશ મળ્યા બાદ ભાગ્યેશ પરમારની પૂછપરછ કરી હતી. પૂછપરછ બાદ તે ગભરાઈ જતાં તેમજ બીમાર થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બીજી તરફ પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી જેમાં કોઈ ખાસ જાણકારી મળી નહોતી.

કોલ્સ રેકોર્ડ્સની પણ તપાસ કરવામાં અાવી છે. જેમાં ભાગ્યેશ સિવાય અન્ય બેથી ત્રણ વ્યક્તિઓને પણ દિવ્યા અને તૃષાલીએ વાત કરી હતી. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. ભાગ્યેશની પૂછપરછ બાદ ગભરાઈ જતાં તેની સારવાર ચાલી રહી છે. જેથી પોલીસ તેની પૂછપરછ નથી કરી શકી. ઉપરાંત પોલીસને કોઈ ખાસ કડી બંનેના અાત્મહત્યા કરવા અંગેની મળી નથી રહી જેથી પોલીસ અા કેસમાં દિશાવિહિન છે.

You might also like