જો આતંકવાદ પર કાબુ મેળવવો હોય તો મસ્જિદો પર પણ નજર રાખવી પડશે: ટ્રંપ

એટલાન્ટાઃ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપલ્બિકન પાર્ટીના સંભવિત ઉમેદવાદ ડોનાલ્ડ ટ્રંપે ઓરલેન્ડો હુમલા બાદ એક વાર ફરી મુસલમાનો વિરૂદ્ધ નિવેદન આપ્યું છે. ટ્રંપે જણાવ્યું છે કે જો આતંકવાદ પર કાબુ મેળવવો હોય તો મસ્જિદો પર પણ નજર રાખવી પડશે. સાથે જ મુસલમાનોના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ લાદવો જોઇએ.

એટલાન્ટામાં બુધવારે યોજાયેલી એક રેલીમાં ટ્રંપે જણાવ્યું છે કે આપણે સંભવત, સમ્માનપૂર્વક મસ્જિદોની તપાસ કરવી જોઇએ. આપણે અન્ય જગ્યાઓની પણ તપાસ કરવી જોઇએ, કારણકે આ એક એવી સમસ્યા છે કે જેનું આપણે સમાધાન ન કરવું જોઇએ. તે આપણા દેશની પરિસ્થિતિને બગાડી શકે છે.

આ પહેલાં પણ ટ્રંપ મુસલામાનો વિરૂદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે. જેના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ટ્રંપની કડક શબ્દોમાં ટીકા કરી હતી. ટ્રંપના આ રીતના નિવેદનો અમેરિકા માટે ઘાતક બની શકે છે. આ સાથે જ ઓબામાએ ઓરલેન્ડોમાં અફઘાની મૂળના ઉમર મતીન દ્વારા ગોળીબાર કરીને 49 જેટલા લોકોને મોતનેઘાટ ઉતાર્યા છે. ત્યારે મુસલમાનો વિરૂદ્ધ કોઇ પણ પ્રકારનું ખોટુ વર્તન ન કરવા માટેની અપીલ પણ કરી છે.

તો આ તરફ ટ્રંપે જણાવ્યું છે કે ઉમરનો જન્મ ભલે અમેરિકામાં થયો હોય પરંતુ તેના માતા-પિતા અને તેના વિચારોનો જન્મ અહીં થયો નથી. આ પહેલાં પણ ટ્રંપે અમેરિકામાં મસ્જિદો પર નજર રાખવાની વાત ગત નવેમ્બરમાં કરી હતી. આ સાથે જ તેમણે અમેરિકા આવી રહેલા સીરિયાઇ શરણાર્થિયોના ડેટાબેઝ તૈયાર કરવાની પણ માંગ કરી હતી.

You might also like