ટ્રમ્પની ટ્રેડ વોરઃ ચીની પ્રોડક્ટ પર ૨૦૦ અબજ ડોલરના ટેરિફ ઝીંકાયા

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન વિરુદ્ધ ફરી એક વાર ટ્રેડ વોર છેડી છે. ટ્રમ્પ પ્રશાસને ચીન પર દબાણ વધારવા ચીનના ૨૦ હજાર કરોડ ડોલર (રૂ. ૧૪.૫૦ લાખ કરોડ)ના ઉત્પાદનો પર ૨૪ સપ્ટેમ્બરથી ચીન પાસેથી આયાત થનાર કોઇ પણ સામાન પર ૧૦ ટકા વધારાનું ટેરિફ વસૂલ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારનાં પગલાં ટૂંક સમયમાં ભરવાનો સંકેત આપ્યો હતો. આ વર્ષના આરંભમાં ૨૫ ટકા ટેરિફ ઝીંકવાની વાત કરી હતી, પરંતુ ટ્રમ્પે અત્યારે ૧૦ ટકા જ ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે.
આ અગાઉ ચીન અને અમેરિકા બંનેએ ૫૦ અબજ ડોલરના ટેરિફ એકબીજાની પ્રોડક્ટ પર લગાવી દીધા છે. ચીને ૬૦ અબજ ડોલરના ટેરિફ અમેરિકન પ્રોડક્ટ પર લગાવ્યાં છે.

આજે લગાવવામાં આવેલ ટેરિફ હેઠળ હેન્ડ બેગ, ચોખા અને કપડાંનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જોકે સ્માર્ટ વોચ અને પ્લે પેન જેવી કોઇ વસ્તુઓનો સમાવેશ કરાયો નથી. અગાઉ અમેરિકાએ લાકડામાંથી બનેલા ફર્નિચર પર ઇમ્પોર્ટ ડ્યૂટી નહીં લગાવવાની વાત કરી હતી, પરંતુ આ વખતે તેના પર પણ ડ્યૂટી લગાવવામાં આ‍વી છે.

૨૦૦ અબજ ડોલરની પ્રોડક્ટ પર ટેરિફ વધારવાના ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ હવે વધારેલા ટેરિફનો આંકડો ૨૫૦ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે.

ટ્રમ્પ સરકારના આ નિર્ણય બાદ અમેરિકાથી આયાત થતા લગભગ ૫૦ ટકા પ્રોડક્ટ પર ટેરિફ વધી જશે. ૨૪ સપ્ટેમ્બરથી આ નવા ટેરિફનો અમલ શરૂ થઇ જશે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે કેટલાય મહિના સુધી ચીનને અપીલ કરી હતી કે તે તેની ખોટી વ્યાપાર પદ્ધતિ બંધ કરી દે. ચીનને અમે પૂરતી તક આપી હતી.

You might also like