સિરિયામાં હુમલા કરવા મામલે રશિયા-ઇરાનને UN અને ટ્રમ્પની ચેતવણી

ન્યૂયોર્કઃ અમેરિકા અને સંયુકત રાષ્ટ્રસંઘે ‌સિરિયામાં હવાઇ હુમલા કરવા સામે રશિયા અને ઇરાનને ચેતવણી જારી
કરી છે. સંયુકત રાષ્ટ્રસંઘે ‌રશિયા અને તુર્કીને સિરિયામાં વિદ્રોહીઓના કબજાવાળા ઇદલીબ પ્રાંતમાં થનારી તબાહી રોકવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવાયું છે.

સંયુકત રાષ્ટ્રસંઘની આ ચેતવણી એવી આશંકાઓ અને સમાચારો વચ્ચે આવી છે કે સિરિયાનાં રાષ્ટ્રપ્રમુખ બસર અલ અસાદની તેના રશિયાના સમર્થનને ગીચ વસ્તીવાળા ઇદલીબમાં આક્રમક સૈન્ય કાર્યવાહી કરવાની યોજના ઘડી રહી છે.

આ અગાઉ અહેવાલો અનુસાર રશિયાનાં વિમાનોએ ઇદલીબના મુહંબલ અને જદરાયામાં કરેલા હુમલામાં બાળકો સહિત નવનાં મોત થયાના સમાચાર મળ્યા છે. અહીં વસતા અબુ મોહંમદે જણાવ્યું હતું કે સવારે ૧૧-૦૦થી સાંજે ૪-૦૦ સુધી અહીંનાં ગામોમાં હવાઇ હુમલા ચાલુ રહ્યાં હતાં.

દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિરિયાને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે રશિયા અને ઇરાનની મદદથી વિદ્રોહીઓનાં કબ્જાવાળા ઇદલીબમાં હુમલા ન કરે, કારણ કે તેનાથી માનવીય સંકટ ઊભું થઇ શકે છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે સિરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ અસદને ઇદલીબ પ્રાંત પર વગર વિચાર્યે હુમલા નહીં કરવા જોઇએ. આમ કરીને રશિયા અને ઇરાન મોટી ભૂલ કરી રહ્યા છે.

આ દરમિયાન સંયુકત રાષ્ટ્રસંઘનાં શાંતિદૂત સ્ટીફન્ડા મિસ્ટુરાએ જણાવ્યું હતું કે તુર્કીનાં રાષ્ટ્રપ્રમુખ રેચેપ તૈયબ અર્દોઆને અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને આ અંગે વાતચીત કરવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે ઇદલીબમાં ખરેખર એક માનવતાવાદી અને એક રાજકીય રણનીતિની જરૂર છે. જો તે સફળ થશે તો લાખો લોકોના જીવ બચી જશે.

બીજી બાજુ રશિયા અને ઇરાને એ વાત પર ભાર મૂકયો છે કે ઇદલીબમાં કટ્ટરવાદી જૂથોને હરાવવાં જરૂરી છે. ઇરાનના વિદેશ પ્રધાને પોતાની દમિશ્ક યાત્રા દરમિયાન જણાવ્યું હતું કે દેશના ઇદલીબ પ્રાતમાંથી આતંકવાદીઓનો સફાયો કરવો અત્યંત જરૂરી છે.

You might also like