ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાનક ગણાવ્યો: ‘દોષીઓ સામે પાકિસ્તાન કાર્યવાહી કરે’

(એજન્સી) વોશિંગ્ટન: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા માટે પાકિસ્તાન દુનિયાભરમાં આકરી ટીકાનો સામનો કરી રહ્યું છે. હુમલાના છ દિવસ બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે પાકિસ્તાન પર ફિટકાર વરસાવ્યો છે અને ભારતને સાથ આપ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા હુમલાને ‘ભયાનક’ ગણાવ્યો છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પાકિસ્તાને આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. પોતાની ઓવલ ખાતેની ઓફિસમાં મીડિયા સાથે વાત કરતાં અમેરિકાના પ્રમુખે જણાવ્યું હતું કે મને પુલવામા આતંકી હુમલા પરના અહેવાલો મળી રહ્યા છે. અમે આ અંગે યોગ્ય સમયે કોમેન્ટ કરીશું. જો બંને દેશ સાથે આવે તો તે સારું ગણાશે. પુલવામામાં જે પણ થયું તે બહુ ભીષણ અને ભયાનક હતું.

બીજી તરફ અમેરિકાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે પુલવામા હુમલા બાદ તે ભારત સાથે છે. પાકિસ્તાને આ હુમલા માટે જવાબદાર લોકો સામે સખત કાર્યવાહી કરવી જોઈએ. વિદેશ મંત્રાલયના ડેપ્યુટી પ્રવક્તા રોબર્ટ પોલડિનોએ જણાવ્યું કે પુલવામા હુમલા બાદ અમેરિકા સતત ભારતના સંપર્કમાં છે. અમે ફક્ત આ આતંકી હુમલાની નિંદા નથી કરતા પણ દરેક સંજોગોમાં ભારતની સાથે જ છીએ.

તેમણે કહ્યું કે અમે અપીલ કરીએ છીએ કે પાકિસ્તાને આ હુમલાની તપાસમાં પૂરી મદદ કરવી જોઈએ અને જો કોઈ દોષી નીકળે તો તેને કડક સજા પણ આપવી જોઈએ. અમે પાકિસ્તાનના પણ સતત સંપર્કમાં છીએ.

આ અગાઉ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને પણ ભારતના એનએસએ અ‌િજત ડોભાલ સાથે પુલવામા હુમલા અંગે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે ભારતને એક્શન લેવાનો પૂરો અધિકાર છે. અમેરિકી વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પણ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી.

ભારતે માગણી કરી છે કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પર કાર્યવાહી કરે અથવા તેનો કબજો ભારતને સોંપી દે. ઉલ્લેખનીય છે કે ભારતીય સુરક્ષાદળોએ પુલવામા હુમલાની ૧૦૦ કલાકની અંદર જ તેના માસ્ટર માઈન્ડ આતંકી ગાઝી ઉર્ફે રાશીદ, કામરાન અને હિલાલને ફૂંકી માર્યા હતા.

You might also like