એચ-૧બી વિઝાના નિયમો વધુ કડક બનાવતા આદેશ પર ટ્રમ્પના હસ્તાક્ષર

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે એક એવા વહીવટી આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે જે એચ-૧બી વિઝા જારી કરવાની પ્રક્રિયાને વધુ કડક બનાવે છે અને સમગ્ર સિસ્ટમની સમીક્ષા માગી લે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતીય આઇટી કંપનીઓ અને આઇટી પ્રોફેશનલ્સ દ્વારા આ વિઝાની ખૂબ જ માગ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ વિઝા સિસ્ટમની જોગવાઇઓ વધુ કડક બનાવતા આદેશ પર વિસ્કાન્સીનના કેનોશામાં સહી કરી હતી.

અમેરિકામાં હવે અત્યંત સ્કીલ્ડ પ્રોફેશનલ્સને જ એચ-૧બી વિઝા મળી શકશે. એચ-૧બી વિઝાને વધુ સ્કીલ્ડ આધારિત અને યોગ્યતા આધારિત ઈમિગ્રેશન પોલિસી તૈયાર કરવાની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે. આ વહીવટી આદેશ પર સહી કરવાના એક દિવસ પહેલાં અમેરિકન સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે આ વર્ષે ૧ ઓકટોબરથી શરૂ થતા નાણાકીય વર્ષ ર૦૧૮ માટે ૬પ,૦૦૦ એચ-૧બી વિઝા માટેના અમેરિકન કોંગ્રેસના આદેશ અનુસાર મળેલ ૧,૯૯,૦૦૦ અરજીઓનો કમ્પ્યૂટરાઇઝડ ડ્રો કરી દેવામાં આવ્યો છે. ર૦૧પ યુએસઆઇસીએના રિપોર્ટ અનુસાર કમ્પ્યૂટર ક્ષેત્રમાં ૮૬.પ ટકા ભારતીયોને, પ.૧ ટકા ચીની નાગરિકોને, ૦.૮ ટકા કેનેડા નિવાસીઓને, ૭.૬ ટકા અન્ય દેશોના નાગરિકોને એચ-૧બી વિઝા મળ્યા છે.

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પ ‘બાય અમેરિકન એન્ડ હાયર અમેરિકન’ આદેશના ફેડરલ જોડાણમાં અમેરિકન પ્રોડકટની ખરીદી વધારવા માટે સરકારી બાઇંગ પ્રેક્ટિસમાં પણ ફેરફાર કરવા માટે તેનો ઉપયોગ કરશે.

આ આદેશથી ભારતીયો પર શું અસર થશે?
અમેરિકન લેબર મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર ગઇ સાલ આ વિઝા માટે અરજી કરનાર કંપનીઓમાં વિપ્રો, ઇન્ફોસિસ અને ટીસીએસનો નંબર અનુક્રમે પાંચમો, સાતમો અને દસમો હતો. આ કંપનીઓને સૌથી વધુ એચ-૧બી વિઝાની મંજૂરી મળી હતી. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ઇન્ફોસીસના કુલ કર્મચારીઓમાં ૬૦ ટકાથી વધુ એચ-૧બી વિઝા ધારકો છે. આ ઉપરાંત વોશિંગ્ટન અને ન્યૂયોર્કમાં એચ-૧બી વિઝા ધારકોમાં ૭૦ ટકા ભારતીયો છે. આપી અમેરિકામાં એચ-૧બી વિઝા આપવાના નિયમોમાં કોઇ પણ ફેરફાર થાય તો તેની સૌથી વધુ અસર ભારતીયો પર પડે તે સ્વાભાવિક છે. આ સાથે તેની નકારાત્મક અસરો ભારતીય અર્થતંત્ર પર પણ પડશે. ભારતના જીડીપીમાં ભારતીય આઇટી કંપનીઓનુું યોગદાન ૯.પ ટકા જેટલું છે અને તેથી ભારતીય અર્થતંત્ર તેનાથી વધુ પ્રભાવિત થશે.
http://sambhaavnews.com/

You might also like