અમેરિકાનું પ્રતિનિધિ મંડળ ઉત્તર કોરિયા પહોંચી ગયું

વોશિંગ્ટન: ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચિત મુલાકાતની તૈયારીઓ માટે અમેરિકાનું એક પ્રતિનિધિ મંડળ પ્યોંગયાંગ પહોંચી ગયું છે. આ અંગે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. અમેરિકન અધિકારીઓની આ ટીમ બંને રાષ્ટ્રપ્રમુખોની મુલાકાત અંગેની તૈયારીઓની સમીક્ષા કરશે. તેમણે જણાવ્યું હતું કે મને વિશ્વાસ છે કે ઉ. કોરિયામાં ક્ષમતા છે અને એક દિવસ મહાન આર્થિક રાષ્ટ્ર બનશે. કિમ જોંગ મારી આ વાત સાથે સંમત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યું છે કે ઉત્તર કોરિયા સાથે ફરી મુલાકાત અંગે વાતચીત ચાલી રહી છે. જોકે ૨૪ મેના રોજ કિમ જોંગના નામે લખેલા પત્રમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ઉત્તર કોરિયાનાં ભડકાઉ વલણને કારણે ૧૨ જૂનના રોજ યોજાનારી મુલાકાત રદ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સીએ ‘ધ વોશિંગ્ટન પોસ્ટ’ના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે કિમ જોંગ અને ટ્રમ્પની મુલાકાતની તૈયારીઓની દેખરેખ માટે ફિલિપિન્સના અમેરિકન રાજદૂત સુંગ કિમને ઉત્તર કોરિયા બોલાવવામાં આવ્યા છે તેઓ ઉત્તર કોરિયા સાથે અગાઉ યોજાયેલ પરમાણુ મુદ્દેની વાતચીતમાં મધ્યસ્થી રહી ટૂક્યા છે.

You might also like