ટ્રમ્પના કહેવાથી પોર્નસ્ટાર્સને નાણાં ચૂકવાયાં હતાંઃ માઇકલ કોહેન

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પૂર્વ વકીલ માઇકલ કોહેને અદાલતમાં પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. માઇકલ કોહેને અદાલતમાં એકરાર કર્યો છે કે તેમણે ર૦૧૬ની અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર બે મહિલાઓ (પોર્નસ્ટાર)ને નાણાં આપ્યાં હતાં અને આ બાબત ચૂંટણી પ્રચારના ઉલ્લંઘન સમાન છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પર એવો આક્ષેપ થયો હતો કે આ બે મહિલાઓ સાથે તેમને લવઅફેર્સ હતો અને આ સંજોગોમાં ચૂંટણી દરમિયાન આ બે મહિલાઓનું મોં બંધ રાખવા તેમને નાણાં આપવામાં આવ્યાં હતાં.

વકીલ માઇકલ કોહેનના જણાવ્યા અનુસાર આ માટે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ૧.૩૦ લાખ ડોલર (રૂ.૯૦ લાખ) આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક મેગેઝિનની મોડેલને ૧.પ૦ લાખ ડોલર આપવામાં આવ્યા હતા.

પ૧ વર્ષના વકીલ માઇકલ કોહેને ફેડરલ કોર્ટમાં આઠ અલગ અલગ ક્રિમિનલ કેસમાં પોતાની ભૂલનો એકરાર કર્યો છે. જેમાં ટેકસ ચોરી અને બેન્ક સાથે છેતરપિંંડીના કેસોનો પણ સમાવેશ થાય છે.

માઇકલ કોહેને કોર્ટમાં ટ્રમ્પનું સીધે સીધું નામ લીધું નહોતું, પરંતુ તેમના વકીલ લૈની ડેવિસે જણાવ્યું હતું કે કોહેનનો ઇશારો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તરફ હતો.

ડોનાલ્ડ ટ્રમ્પે મહિલા સાથેના પોતાના પ્રણય સંબંધો હોવાનો ઇનકાર કર્યો છે. તેમના વકીલ રૂડી ગીયુલાનીએ જણાવ્યું હતું કે આ નાણાં ટ્રમ્પ અને તેમના પરિવારને શરમમાં ન મુકાવું પડે તે માટે આપવામાં આવ્યા હતા. આ નાણાંને ચૂંટણી પ્રચાર સાથે કોઇ નિસ્બત નહોતી.

વેસ્ટ વર્જિનિયામાં ટ્રમ્પની એક રેલી હતી, પરંતુ ટ્રમ્પે આ બાબતમાં કંઇ પણ કહ્યું નહોતું. આ ઉપરાંત આ કેસમાં વ્હાઇટ હાઉસ તરફથી પણ કોઇ પ્રતિક્રિયા આવી નથી.

You might also like