ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની મુલાકાત રદ થવાની સંભાવના

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉન વચ્ચે થનારી મુલાકાત રદ થાય તેવી સંભાવના છે. આગામી ૧૨ જૂને સિંગાપોરમાં થનારી બેઠક પહેલાં પરિસ્થિતિ બદલાતાં આવી સંભાવના વ્યકત થઈ રહી છે, જેમાં એમ જણાવવામાં આવી રહ્યું છે કે જો કદાચ બેઠક મળશે તો પણ તે નિયત સમયે નહિ થાય. તેથી હાલ આ બંને નેતા વચ્ચેની મુલાકાત અંગે સવાલો થઈ રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી બેઠક અંગે જે રીતે ટ્રમ્પે માહોલ બનાવ્યો છે તેના પરથી લાગી રહ્યુ છે કે તેઓ તેમના વાયદાથી પીછેહઠ કરશે, જેમાં ઉત્તર કોરિયાએ જણાવ્યું હતું કે જો અમેરિકા તરફથી વારંવાર પરમાણુ કાર્યક્રમ અંગે એક તરફી દબાણ કરવામાં આવશે તો બંને દેશ વચ્ચેની વાતચીત રદ થઈ શકે તેમ છે.

અગાઉ ઉત્તર કોરિયાએ ખાતરી આપી હતી કે તે તેના પરમાણુ કાર્યકમ રદ કરી દેશે, પરંતુ આ મામલે અમેરિકા તરફથી વારંવાર દબાણ કરવામાં આ‍વતાં પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે.

આગામી ૧૨ જૂને સિંગાપોરમાં મળનારી બંને નેતાઓ વચ્ચેની બેઠક પહેલાં જ હાલ જે રીતે માહોલ બદલાઈ રહ્યો છે તેના પરથી લાગી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત રદ થઈ શકે તેમ છે. બીજી તરફ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે ઈન ટ્રમ્પને મળવા માટે વ્હાઈટ હાઉસ ગયા હતા તેના કારણે ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની મુલાકાત રદ થવાની સંભાવના વધુ પ્રબળ બની છે.

You might also like