દેખાવ કરતાં મનની સુંદરતા જ સાચી

મહાત્મા ટોલ્સ્ટોય યુવાન હતા ત્યારે અરીસા સામે ઊભા રહીને અફસોસ કરતા- ભગવાને મને આટલો કદરૂપો બનાવ્યો ન હોત અને સુંદર ચહેરાવાળો-દેખાવડો બનાવ્યો હોત તો હું દુનિયામાં ડંકો વગાડી દેત! માણસ પાસે જે નથી હોતું તે તેને અમૂલ્ય લાગે છે. ટોલ્સ્ટોય લખે છે કે મારા કદરૂપા ચહેરાને બદલે દેખાવડો ચહેરો પ્રાપ્ત કરવા માટે હું મારું સર્વસ્વ આપી દેવા તૈયાર હતો! ટોલ્સ્ટોય પોતાની શ્રીમંત માતાની મોટી જાગીરની વાત કરતા હશે. ટોલ્સ્ટોયને ખબર નહોતી કે એ જમીનની જાગીર કરતાં ક્યાંય વધુ મોટી જાગીર એમના મનમાં પડી હતી. જગતના સૌથી મોટા નવલકથાકાર તરીકેની તેમની સિદ્ધિ બાજુએ રાખો તો પણ તેમણે માનવકલ્યાણના જે ખ્યાલો રજૂ કર્યા, જે તપ અને ત્યાગ કર્યાં તે પરાક્રમ પણ કંઈ ઓછાં નથી.

મહાત્મા ટોલ્સ્ટોયે યુવાનીમાં અરીસામાં માત્ર પોતાના ચહેરાના સ્થૂળ રૂપની શોધ જ કરી હશે, બાકી તેમને જોનારાઓએ લખ્યું છે કે તેમના આંખો ખૂબ રૂપાળી હતી અને એવું જ રૂપાળું તેમનું હાસ્ય હતું આપણા મહાત્મા ગાંધી પણ રૂપાળા નહોતા. પણ મહાત્મા ગાંધીની આંખો કેટલી બધી આકર્ષક હતી તે હકીકત અનેક લોકોએ નોંધી છે. એમનું હાસ્ય પણ એટલું જ જાણીતું છે.
અબ્રાહમ લિંકન પણ કદરૂપા દેખાવના હતા. લિંકને કહ્યું છે કે ચાલીસ વર્ષની ઉંમર સુધી માણસના દેખાવ માટે તે ઈશ્વરને કે કુદરતને દોષ દઈ શકે, બાકી ચાલીસ વર્ષ પછી તેના દેખાવની સંપૂર્ણ જવાબદારી તેની પોતાની જ છે.

ચાલીસ વર્ષ પછી યૌવનનું રૂપ તો બાદબાકીમાં ગયું હશે અને ચાલીસ વર્ષે તેની ગમે તેવી કુદરતી નાક-નકશાની નમણી કળા ઉપર ઉંમરનો સિક્કો લાગી જ ગયો હશે. ચાલીસ વર્ષ પછી માણસનો દેખાવ તેના હાથમાં એટલા માટે કે તે હવે પોતાની જિંદગીના અનુભવોના કાચા માલમાંથી કંઈક સારું નિપજાવી શકે છે. તે તેના મનની વિસ્તરેલી ક્ષિતિજોનું રૂપ અને તેના આત્માની કરુણાભીની સમજદારીનાં તેજ તેની આંખોમાં, તેના સ્મિતમાં અને તેના હાવભાવમાં પ્રગટાવી શકે છે. યૌવનનું ઉત્તમમાં ઉત્તમ રૂપ કાચું છે. તેને જિંદગીનાં જળ અને અગ્નિ તત્ત્વનો પૂરો સ્પર્શ થયો નથી હોતો.

મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન પણ દેખાવડા નહોતા. પણ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા, તેમની નિખાલસતા, નમ્રતા અને વિનોદી સ્વભાવને લીધે રૂપાળા બની ગયા હતા. જવાહરલાલ નહેરુને ચાલીસ વર્ષની ઉંમર પહેલાં માથામાં ટાલ પડી ગઈ હતી. પણ એમના ચહેરાના રૂપ કરતાં એમના વિનોદી વ્યક્તિત્વનું રૂપ તદ્દન નિરાળું હતું.

શરીરનું રૂપ દિવસે દિવસે ક્ષીણ થતું જ જવાનું છે. જે રૂપ સમયની સાથે વધી શકે છે તે રૂપ તો માણસના અંતરનું રૂપ છે. માણસના વ્યક્તિત્વનું, તેની માનસિક શક્તિનું અને તેના હૃદયનું રૂપ વધારી શકાય છે. તે ઉંમરની સાથે ઘટવાનું જોખમ નથી. સમયની સાથે તેની શોભા ઓછી નહીં થાય. માણસ જાતે ઈચ્છે તેટલી તે વધી શકે છે.

માણસે પોતાના દેખાવ કે રૂપ અને અરૂપની બહુ ચિંતામાં પડ્યા વગર પોતાના વ્યક્તિત્વની નહીં ઊઘડેલી પાંખડીઓ બરાબર વિક્સે, તેનું એક રંગીન રૂપ અને ખુશબો પ્રગટે તેની કોશિશ માણસે કરવી જોઈએ. આમાંથી જે કંઈ સફળતા મળશે તે તમારા આત્મસન્માનમાં વધારો કરશે અને બીજાઓની નજરમાં તેમને વધુ માન મેળવી આપશે.

કેટલાક લોકો પોતાનું રૂપ વધારવા ટાપટીપ કરે છે, આકર્ષક વસ્ત્રો પહેરે છે, સેન્ટ-અત્તરનો ઉપયોગ કરે છે! દરેક માણસની મુનસફી પર છોડવી પડે તેવી આ બાબત છે, પણ યાદ રાખવા જેવું એ છે કે આથી ખરેખર રૂપ વધતું નથી પણ પોતાની ઉંમર કરતાં નાના દેખાવાની કોશિશ તો નકામી જ છે! રૂપાળા દેખાવ કરતાં માણસના સમગ્ર વ્યક્તિત્વનું રૂપ હંમેશાં ચડિયાતું સાબિત થાય છે તે ભૂલવા જેવું નથી.

You might also like