ઓઢવમાં ટ્રકચાલકને આંતરી લૂંટ કરનાર ત્રણ આરોપીની ધરપકડ

અમદાવાદ: શહેરમાં મોડી રાત્રે લૂંટફાટ અને ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં લૂંટના બનાવો વધ્યા છે. ઓઢવ રિંગરોડ પરથી ટ્રક લઇને પસાર થતા ટ્રકચાલકને રિક્ષામાં આવેલા ત્રણ શખસોએ આંતરી લૂંટ ચલાવી હતી. આ મામલે ઓઢવ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે નિકોલના ખોડિયારનગરમાં આવેલી સોસાયટીનાં એક મકાનમાંથી ચોરી કરનાર બે શખસોની નિકોલ પોલીસે ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કર્ણાટકના મિત ગુપ્તા થાનાનાં બેલખેડા ગામના રહેવાસી રવિકુમાર માહિક મંગળવાર મોડી રાત્રે પોતાની ટ્રક લઇને ઓઢવ રબારી વસાહત પાસેથી પસાર થતા હતા. ત્યારે એક વ્યક્તિ ટ્રકમાં પેસેન્જર તરીકે બેઠી હતી.

થોડા આગળ જતાં રિક્ષામાં અન્ય બે વ્યક્તિઓ આવી હતી અને રિક્ષાને ટ્રક આગળ ઊભી રાખી રવિકુમારને માર મારી ઝપાઝપી કરી રૂ.૮પ૦૦ની લૂંટ કરી ત્રણેય શખસો ફરાર થઇ ગયા હતા. જોકે રવિકુમારે રિક્ષાનો નંબર નોંધી લીધો હતો. જેેના આધારે ઓઢવ પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી લીધી હતી.

જ્યારે નિકોલના ખોડિયારનગર વિસ્તારમાં આવેલી સમાજ નવરચના સોસાયટીમાં રહેતા પદ્મિનીબહેન મુદલિયારના મકાનમાંથી સોનાની બુટ્ટી, મોબાઇલ અને રોકડ રૂ.૬૦૦૦ મળી કુલ રૂ.૪૩,૦૦૦ની મતાની ચોરી થઇ હતી. આ મામલે નિકોલ પોલીસે તપાસ કરતાં બે આરોપીની ધરપકડ કરી સોનાની બુટ્ટી એક જોડ કબજે કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

You might also like