ટ્રક રેસર નાગાર્જુન બીજી વાર ચેમ્પિયન બન્યો

ગ્રેટર નોએડાઃ લગભગ ૪૦,૦૦૦ દર્શકોની હાજરીવાળી બુદ્ધા ઇન્ટરનેશનલ સર્કિટ (બીઆઇસી) પર ગઈ કાલે આંધ્ર પ્રદેશના ટ્રક રેસર નાગાર્જુને સતત બીજી વાર ટાટા ટી-વન પ્રાઇમા રેસ જીતી લીધી. ઉત્તર પ્રદેશનો મલકીતસિંહ બીજા અને રાજસ્થાનનો ભાગચંદ ત્રીજા સ્થાન પર રહ્યો.

નાગાર્જુન ટાટા ટી-વન રેસની ત્રીજી સિઝનનો પણ વિજેતા છે. ૨૯ વર્ષીય નાગાર્જુને ૧૮ મિનિટ, ૩૧ સેકન્ડમાં દસ લેપ પૂરા કરી આ ખિતાબ જીતી લીધો. તેની સરેરાશ સ્પીડ ૧૦૦.૪૧ રહી. સુપર ક્લાસ કેટેગરીમાં પિતામ્બર પહેલા, ઉત્તર પ્રદેશનો શિવ નિહાલસિંહ બીજા, ગુરુજંતસિંહ ત્રીજા અને હરિયાણાનો હરીશ ચોથા સ્થાન પર રહ્યો.
ઇન્ટરનેશનલ કેટેગરીમાં ડીલર ડેરડેવિલ્સનો ડેવિટ વર્સેંકી પહેલા, વોરિયર્સનો ગ્રેડકાર્બર (જર્મની) બીજા અને ટીમ ક્યૂમિન્સનો ડેવિડ જિન્કિન્સ (યુકે) ત્રીજા સ્થાને રહ્યો.

પહેલી વાર મહિલા રેસર
બીઆઇસી પર પહેલી વાર જર્મનીની મહિલા રેસર પણ ટાટા ટી-વન રેસમાં ઊતરી હતી. રેસિંગ ટ્રેક પર ૧૨૦૦ બીએચપીની ટ્રક ૧૭૦ કિમી પ્રતિ કલાકની ઝડપથી દોડાવનારી સ્ટેફની હામ ઇન્ટરનેશનલ કેટેગરીમાં ટ્રેક પર ઊતરી હતી. તેણે ૧૨.૦૨ મિનિટમાં પોતાની લેપ પૂરી કરી હતી. તે આંતરરાષ્ટ્રીય કેટેગરીમાં સાતમા સ્થાને રહી હતી. સ્ટેફની ટાટા ટી-વન પ્રાઇમા ટ્રકને સિઝન ચારમાં દોડાવનારી પહેલી મહિલા ટ્રેક રેસર બની.

http://sambhaavnews.com/

You might also like