ટ્રક અને લકઝરી વચ્ચે અકસ્માતઃ એકનું મોતઃ ૧૩ મુસાફરો ગંભીર

અમદાવાદ: પ્રાંતીજ રોડ પર શીત કેન્દ્ર પાસે મોડી રાત્રે ટ્રક અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યકિતનું ગંભીર ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ૧૩ જણાને ગંભીર ઇજાઓ પહોંચતાં તમામને હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી બેની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે.

આ અંગેની વિગત એવી છે કે પ્રાંતીજ રોડ પર શીત કેન્દ્ર પાસે ડાંગરનું ભૂસું ભરેલી અેક ટ્રકમાં પંચર પડતાં ચાલકે ટ્રકને રોડની એક તરફ પાર્ક કરી હતી. દરમિયાનમાં મોડી રાત્રે રાજસ્થાનના ભીલવાડાથી અમદાવાદ તરફ આવી રહેલી એક લકઝરી બસના ચાલકને આગળ ઊભેલી ટ્રક ન દેખાતાં લકઝરી બસ ટ્રક પાછળ ઘૂસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

જોરદાર ધડાકા સાથે અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરોએ ભયના કારણે ચીસાચીસ કરી મૂકી હતી. આ અકસ્માતમાં સુંદરલાલ કાલુરામ ગુજ્જર નામના એક રાજસ્થાની યુવાનનું ગંભીર ઇજાઓ થવાને કારણે ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે ૧૩ જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

You might also like