તારાપુર પાસે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતઃ ચાર વ્યકિતનાં મોત

અમદાવાદ: તારાપુર-વટામણ રોડ પર ફતેપુરા નજીક પેટ્રોલ પંપ પાસે ગઇ કાલે મોડી રાત્રે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ચાર વ્યકિતના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા જ્યારે ત્રણ વ્યકિતને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે સુરતના વરાછા ખાતે રહેતા અને હીરાની દલાલીનો વ્યવસાય કરતા અશોકભાઇ પરસોત્તમભાઇ ડોબરિયાનાં સગાં-સંબંધીઓ સુરતથી કારમાં બેસી સૌરાષ્ટ્ર તરફ જવા નીકળ્યા હતા. જ્યારે આ કાર મોડી રાત્રે તારાપુર-વટામણ રોડ પર ફતેપુરા નજીકથી પેટ્રોલ પંપ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કારમાં બેઠેલ વિપુલભાઇ, ચેતનભાઇ અને મનીષાબહેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આશિષભાઇ, નીતાબહેન અને મંથનભાઇના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મળતી માહિતી પ્રમાણે એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નીપજયું હોવાનું જાણવા મળે છે. બનાવની જાણ થતાં જ તારાપુર પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણેય લાશોને પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી આ ઘટનાને પગલે તારાપુુર-વટામણ રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઇ ગયો હતો. ઘટના બાદ ટ્રકચાલક નાસી છૂટયો હતો.
http://sambhaavnews.com/

You might also like