શાંતિપુરા સર્કલ પાસે ટ્રકની અડફેટે આવી જતાં મહિલાનું મોત

અમદાવાદ: શહેર ફરતે આવેલા રિંગરોડ પર બેફામ રીતે ચાલતાં ભારે વાહનો દ્વારા અકસ્માતો થવાની અનેક ઘટનાઓ બને છે. ખાસ કરીને સવારના સમયે અકસ્માતો વધુ બનતા હોય છે. એસપી ‌િરંગરોડ પર શાંતિપુરા સર્કલ પાસે આજે સવારે બેકાબૂ બનેલા ટ્રકચાલકે મહિલાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકચાલકે મહિલાને ૧૦ ફૂટ જેટલી રોડ પર ઘસડી હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરખેજ-શાંતિપુરા સર્કલ નજીક એસપી રિંગ રોડ પરથી એક મહિલા પસાર થઇ રહી હતી. દરમ્યાનમાં પુરપાટ ઝડપે એક ટ્રકચાલક આવ્યો હતો અને મહિલાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગવા છતાં ટ્રકચાલકે ટ્રક રોકી ન હતી અને મહિલાનું શરીર વ્હીલ નીચે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

ટક્કર બાદ મહિલા અંદાજે ૧૦ ફૂટ જેટલી રોડ પર ઘસડાઇ હતી અને તેના શરીરમાંથી માંસના લોચા બહાર આવી ગયા હતા. ગંભીર અકસ્માત થતાં ટ્રકચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. ત્યાંથી પસાર થતા લોકો ભેગા થઇ ગયા હતા. ઘટના અંગે પોલીસને જાણ કરાતાં સરખેજ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સરખેજ પોલીસે હાલ મૃતક મહિલા કોણ છે તે અંગેની તપાસ શરૂ કરી છે.

You might also like