ટ્રકે બાઇકને અડફેટે લેતાં બે બાળકોનાં કમકમાટીભર્યાં મોત

અમદાવાદ: મેઘરજ નજીક આવેલા ડુંડવાળા રોડ પર મોડી રાત્રે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બે માસૂમ બાળકોનાં ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

આ અંગેની વિગત એવી છે કે મેઘરજ નજીક આવેલા લીંભોઇ ગામથી ભરતભાઇ માણાભાઇ ડામોર બાઇક લઇ ડુંડવાળા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સામેથી પુરઝડપે આવેલી ટ્રકે બાઇકને અડફેટે લેતાં જોરદાર ટક્કર મારતાં આ ગમખ્વાર ઘટના બની હતી જેમાં બાઇક પર સવાર ‌િડમ્પલ ભરતભાઇ ડામોર (ઉ.વ.૯) અને નીલેશ રમણભાઇ ડામોર (ઉ.વ.પ) આ બંને બાળકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે ભરતભાઇ ડામોર, નંદાબહેન અને જિજ્ઞેશ ડામોરને ગંભીર ઇજા થતાં તમામને મોડાસાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતાં. બંને બાળકો ટ્રકનાં વ્હીલ વચ્ચે ફસાઇ જતા ક્રેનની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહો બહાર કઢાયા હતા. પોલીસે આ અંગે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ ઉપરાંત છોટા ઉદેપુર નજીક ક્વાંટ-નસવાડી રોડ પર જાંબુવા ગામ પાસે એસ.ટી. બસ અને સરકારી કાર વચ્ચે અકસ્માત થયો હોવાનું

જાણવા મળે છે. જેમાં ત્રણ વ્યક્તિના ગંભીર ઇજા થવાના કારણે મોત થયાં હતાં જ્યારે ચાર વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને વડોદરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like