ત્રિશંકુનું પતન તથા ઉત્થાન

આપણાં શાસ્ત્રોમાં કાંઇ કેટલીય અદ્દભૂત વાતો છુપાયેલી પડી છે. આજના ઝડપી યુગમાં આ બધી વાતો શાસ્ત્રોમાં દબાઇ પડી છે. આવો આજે આપણે એક પુરાણ કથા જાણીએ. સાથે એ પણ જાણીએ કે તેમાં કેટલીક અદ્ભુત વાતો છે. તે વખતના ઋષિ મુનિ કેટલી અદ્ભુત શક્તિઓ ધરાવતા હતા.
આપણાં શાસ્ત્રો એમ જણાવે છે કે જે મનુષ્ય પુણ્યશાળી હોય છે તેને તેની બીજા ભવમાં તથા તે ભવમાં પણ અપાર સુખ પ્રાપ્ત થાય છે. વળી જે મનુષ્ય પુણ્યની સરખામણીમાં પાપ વધારે કરતો હોય અથવા જે પૂર્વ જન્મમાં ખૂબ પાપી હોય તે મનુષ્ય આ જન્મમાં તથા જ્યાં સુધી તેના પાપ કર્મ સમાપ્ત ન થાય ત્યાં સુધી કોઈ કાળે સુખી થઈ શકતો નથી. તેના જીવનમાં અપાર કષ્ટો તથા વિઘ્નો આવે છે. આવા સમયે જો તે મનુષ્ય ધીર તથા જ્ઞાની હશે તો વગર કહે સમજી જશે કે આ બધા મારા પૂર્વ જન્મના પાપ કર્મ ઉદયમાં આવ્યાં છે તેથી હું આવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આવા સમય તેણે શક્ય તેટલું પ્રભુ ચિંતન તથા શક્ય એટલાં પુણ્ય કરવા આમ કરવાથી તેનો આવતો જન્મ પાપ કર્મનો અંત આવતા જ સુખદ પરિસ્થિતિમાં પરિણમશે.
પ્રાચીન સમયમાં પૃથ્વી ઉપર નિબંદન રાજા રાજ્ય કરતો હતો. તેને એક પુત્ર હતો. જેનું નામ ઇક્ષ્વાકુ હતું. આ ઈક્ષ્વાકુ એ જ ત્રિશંકુ.
સત્યવાદી રાજા હરિશ્ચંદ્રના પિતા એ જ ઈક્ષ્વાકુ. જેની આજે આપણે કથા વાંચવા જઇ રહ્યા છે. ઈક્ષ્વાકુ નાનપણથી જ કુમાર્ગે ચડી ગયો હતો. તેણ કેટલીય બ્રાહ્મણ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં. આથી તેની ઘણી ફરિયાદ રાજા નિબંધન પાસે ગઇ. પુત્રના કારણે શરમજનક સ્થિતિમાં મુકાયેલા નિબંધન રાજાએ પુત્ર ઈક્ષ્વાકુને દેશવટો આપ્યો. રાજા પણ પુત્રનાં અપલક્ષણોથી કંટાળી મંત્રીઓને રાજ્યની લગામ સોંપી વનવગડામાં ફરવા લાગ્યો. આમ અયોધ્યા નગર રણી ધણી વગરનું થયું. તેમાંય વળી અનાવૃષ્ટિ થઇ.
આ સમયમાં વિશ્વામિત્ર ઋષિ પણ અરણ્યમાં તપ કરવા ચાલ્યા ગયા. તેમનાં સ્ત્રી સંતાનો ભૂખ્યાં તરસ્યાં ટળવળવા લાગ્યાં છે. આ સમયે ઈક્ષ્વાકએ થોડું માંસ લાવી આપી તેમનું પાલનપોષણ કર્યું, પરંતુ તે વખતે તેના હાથથી ગુરુ વશિષ્ટનો કોઇ અપરાધ થઇ ગયો. એ અપરાધ એ કે તેના હાથે મહાત્મા વશિષ્ટની ગાયનો વધ થઇ ગયો. તે ગાયનું માંસ જ તેણે વિશ્વામિત્રનાં પત્ની સંતાનોનો જીવ બચાવવા આપ્યું હતું.
આથી મહાત્મા વશિષ્ટે ક્રોધમાં આવી તેને શ્રાપ આપ્યો હતો કે, ‘બ્રાહ્મણ સ્ત્રીનો અપાહાર, પિતાનો ક્રોધ અને ધેનુનો વધ એ ત્રણ શંકુ (પાતકને લીધે તું ત્રિશંકુ થા.’ ત્યારથી તે ત્રિશંકુની જેમ વને વન ભટકવા લાગ્યો હતો. કાળાંતરે તેના પિતા તેમના રાજ્યમાં પાછા ફર્યા, પરંતુ તેમણે ત્રિશંકુને યાદ સુધ્ધાં પણ ન કર્યો. આ કારણે વ્યાકુળ થયેલો ત્રિશંકુ આપઘાત કરવા ગયો. તે વખતે એક દેવે તેને કહ્યું કે, ‘તું દેહ ત્યાગ ન કર, તારા પિતા તને અપનાવશે અને રાજ્ય પણ આપશે.’ આથી ત્રિશંકુએ આપઘાત ન કર્યો. કેટલાક સમય પછી તેના પિતાએ તેને બોલાવી રાજ્ય આપ્યું.
એક વખત રાજ્ય કરતાં કરતાં ત્રિશંકુને વિચાર આવ્યો કે જીવતે જીવ સ્વર્ગમાં જવું જોઇએ. ત્યાંના દિવ્ય ભોગ ભોગવાય તે માટે એક યજ્ઞ કરું. તે વશિષ્ટ પાસે ગયો. વશિષ્ટે યજ્ઞ કરાવવાની ના પાડી. તેથી તેણે વશિષ્ટને કહ્યું, ‘મેં તમારી ગાય મારી હતી તેથી તમે ના પાડો છો. હવે હું બીજા ઉપાધ્યાયને બોલાવી યજ્ઞ કરાવીશ.’ આથી વશિષ્ટે તેને શ્રાપ આપ્યો કે, ‘તું અધમ થા.’ વશિષ્ટના શ્રાપથી ત્રિશંકુ અધમ થયો. તેને ઘણો શોક થયો. તે વખતે જ તે વિશ્વામિત્ર પાસે ગયો. તેણે તેમને કહ્યું કે, ‘ખરાબ કાળમાં મેં તમારા કુટુંબને સાચવ્યું હતું. તમે મને જીવતે જીવ સ્વર્ગમાં જવા યજ્ઞ કરાવો.’ ઋષિએ તેને જીવતે જીવ સ્વર્ગમાં જવા યજ્ઞ કરાવવા બ્રાહ્મણોને બોલાવ્યા. કોઇ બ્રાહ્મણ ગૌહત્યારાનો યજ્ઞ કરાવવા તૈયાર થયા નહીં. તેથી વિશ્વામિત્રે વશિષ્ટના પુત્રોને શ્રાપ આપી અધમ બનાવ્યા. આથી કેટલાક બ્રાહ્મણ લોકલાજે આવ્યા.
યજ્ઞ શરૂ થયો. દેવો આહુતિ નહોતા લેતા. આથી વિશ્વામિત્રે પોતાનાં તપોબળથી નવું સ્વર્ગ રચ્યું. ત્રિશંકુ આકાશમાં ઊડવા લાગ્યો. તે સ્વર્ગમાં જવા ગયો. ઇન્દ્રે તેને અટકાવ્યો. તેને કહ્યું કે, ‘ગુરુના શ્રાપથી બળેલા તું માનવસ્વરૂપે સ્વર્ગ ન પામી શકે. તારંુ પતન થાય.’ ત્રિશંકુ આકાશમાંથી નીચે પડવા લાગ્યો. તેથી વિશ્વામિત્રે તેને તિષ્ઠતિ તિષ્ઠતિ કહી અટકાવ્યો. આથી શરમાયેલા ઇન્દ્રે તેનો માનવદેહ લઇ તેને સ્વર્ગમાં લીધો.
આ પછી તેણે અનેક વર્ષો સુખી સ્વર્ગમાં પોતાના તપોબળ જ્યાં સુખી ખૂટ્યાં નહીં ત્યાં સુધી સ્વર્ગનાં સુખ ભોગવ્યાં•
http://sambhaavnews.com/

You might also like