ત્રિપુરોત્સવે કરો અગણિત દીવા

ત્રિપુરાસુર નામનો દૈત્ય બ્રહ્માનાં વરદાનથી અમરતા જેવું વરદાન પામ્યો. તેણે ઇન્દ્રાદિક દેવતાઓને બહુ ત્રાસ આપ્યો. તેમનો વૈભવ તથા તેમનું તેજ પડાવી લીધું. તેમના સઘળા અધિકાર પણ છીનવી લીધા. તે પછી નારદની સલાહથી બધા દેવ બ્રહ્મા અને વિષ્ણુ પાસે ગયા, પણ ત્યાં પણ તેમનું કલ્યાણ ન થતાં તે બધા મહાદેવ પાસે ગયા અને મહાદેવે તે દૈત્યને હણતાં બધા દેવોને તેનો વૈભવ તથા તેમનાં શ્રી અને વૈભવ પાછાં મળ્યાં. આ દિવસે એટલે કે કારતક સુદ પૂનમે દીવા કરવાથી સઘળા પાપ નિસ્તેજ થાય છે. આવો આપણે તે વિશે વિશેષ માહિતી જોઇએ. જે કોઇ મનુષ્ય કારતક સુદ પૂનમના દિવસે ૭૦૦ દીવા કરે છે તે મનુષ્ય નિષ્પાપ થાય છે. પૂનમના દિવસે સંધ્યાટાણે ત્રિપુરોત્સવ કરવો. કીડા, પતંગિયાં તથા જળ સ્થળના જે જીવો છે તે સર્વને પણ આ કરાયેલા દીવાનાં દર્શનથી મોક્ષ થાય છે. ચાંડાલ પણ જો દીવાનાં દર્શન કરે તો તેને બીજો જન્મ મહા વિદ્વાન બ્રાહ્મણનો મળે છે.

દેવ દિવાળીના દિવસે દરેક મનુષ્યએ શકય એટલા દીવા કરવા. આ કરેલા દીવામાંથી અમુક દીવા પોતાના ઘરના આંગણામાં, થોડા દીવા દેવાલયમાં, એક દીવો તુલસી કયારે, એક દીવો પીપળે જઇ મૂકવો. આ દીવાની જ્યોત ઉપર જેની પણ નજર પડે છે તેનો બીજો જન્મ થતો નથી. અર્થાત્ તે જીવ મોક્ષ પામે છે. પછી ભલે તે મચ્છર, કીડા, પતંગિયાં, વંદા, સાપ, નાગ, અળસિયાં કે બીજા કોઇ પણ જીવ કેમ ન હોય. તેમનો મોક્ષ આ દીવો જોતાં થાય છે.

જે કોઇ મનુષ્ય કૃતિકા નક્ષત્રના યોગવાળી કાર્તિકી પૂનમે ભગવાન શિવનાં દર્શન કરે છે. ભગવાન શિવના શિવાલયે તેલનો કે ઘીનો દીપક પ્રગટાવે છે તે મનુષ્ય સાત જન્મ સુધી ધનવાન તથા વેદ જાણકાર બ્રાહ્મણ થાય છે. જે કોઇ મનુષ્ય કાર્તિકી પૂનમે વૃષોત્સર્ગ કે નીલોત્સર્ગ કરે છે અને એકટાણું કરે છે તે મનુષ્ય શિવપદ પામે છે. તેથી આ દિવસ શિવપૂજન તથા દીપદાનને દીપોત્સવ કહેવાય છે.

કાર્તિકી પૂનમે તુલસીનાં મૂળમાં સર્વતોભદ્ર મંડળ બનાવવંુ. તેના ઉપર ઘડાની સ્થાપના કરવી. તેમાં પંચરત્ન કે સવા પાંચ રૂપિયા મૂકવા. તે ઉપર ભગવાન વિષ્ણુની મૂર્તિ પધરાવવી. તેમની પૂજા કરવી, ગીત ગાવાં, નૃત્ય કરવું. વાજાં વગડાવવાં તે પછી આરતી કરી બ્રાહ્મણ જમાડવા. જે કોઇ મનુષ્ય આ પ્રકારનું પૂજન કરે છે તે મનુષ્યને ત્યાં કદી દુઃખ દારિદ્રય આવતાં નથી. તે ધનવાન બને છે. માટે જ આજના દિવસે પુષ્કળ કષ્ટ સહન કરીને પણ આ લોક તથા પરલોકમાં પુષ્કળ સુખ મળે તે માટે શિવ તથા વિષ્ણુનું પૂજન કરવું જોઇએ. આ ત્રિપુરોત્સવેની જો કોઇ કથા સાંભળે, વાંચે કે તેનું શ્રવણ પણ કરે તો તેનો મોક્ષ થાય છે.

You might also like