ટ્રિપલ તલાક બિલ લોકસભામાં રજૂ, જાણો કાયદાની જોગવાઈઓ, શું છે મુસ્લિમ પક્ષની દલીલો?

સંસદમાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના મામલે સર્જાયેલી મડાગાંઠ આખરે ઉકેલાયા બાદ આજે કેન્દ્ર સરકાર લોકસભામાં ટ્રિપલ તલાક વિધેયક રજૂ કરશે. ભાજપે આ માટે પોતાના તમામ સાંસદોને વ્હિપ જારી કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસે પણ આ વિધેયક પાસ કરાવવામાં ભાજપ સરકારને સાથ આપવાનું નક્કી કર્યું છે. આજે સંસદની બેઠક પહેલાં ભાજપ સંસદીય પક્ષની બેઠક પણ યોજાનાર છે.

આ અગાઉ ગઇ કાલે મોડી રાત્રે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનાં વડપણ હેઠળ કોંગ્રેસની બેઠક મળી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસ ટ્રિપલ તલાક વિધેયકની તરફેણમાં જોવા મળી હતી. આ સંજોગોમાં હવે કેન્દ્ર સરકારને આ વિધેયક પાસ કરાવવામાં કોઇ મુશ્કેલી પડે તેમ લાગતું નથી.

વાસ્તવમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહના નેતૃત્વ હેઠળ ઇન્ટર મિનિસ્ટિરિયલ ગ્રૂપે ટ્રિપલ તલાક વિધેયકનો મુસદ્દો તૈયાર કર્યો છે. જેમાં મૌખિક, લેખિત, એસએમએસ કે વોટસએપ દ્વારા કોઇ પણ પ્રકારે ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને ગેરકાયદે જાહેર કરવા અને આ પ્રકારનો તલાક આપનાર પતિને ત્રણ વર્ષની જેલની સજા કરવાની જોગવાઇ કરાઇ છે. આ વિધેયકને આ મહિને જ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી હતી.

જોકે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે આ વિધેયકને મહિલા વિરોધી ગણાવ્યું છે. ગત રવિવારે લખનૌ ખાતે યોજાયેલ બોર્ડની વર્કિંગ કમિટીની બેઠકમાં આ બિલને ફગાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં બોર્ડે ત્રણ વર્ષની સજા આપતા સૂચિત મુસદ્દાને ક્રિમિનલ એકટ ગણાવ્યો છે. ટ્રિપલ તલાક વિરુદ્ધનો સરકારનો જંગ સરળ રહેશે નહીં.

ટ્રિપલ તલાક વિધેયક કેવું હશે?
સરકાર ‘ધ મુસ્લિમ વિમેન પ્રોટેકશન ઓફ રાઇટ્સ ઇન મેરેજ એકટ’ નામથી આ વિધેયક આજે રજૂ કરનાર છે. આમ આ કાયદો માત્ર ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને જ લાગુ પડશે. આ કાયદા બાદ કોઇ પણ મુસ્લિમ પતિ જો પત્નીને ટ્રિપલ તલાક આપશે તો તે ગેરકાયદે ગણાશે. ટ્રિપલ તલાક આપવો બિનજામીન પાત્ર અને કોગ્નિઝેબલ ક્રાઇમ ગણાશે.

 • વિધેયકની મુખ્ય જોગવાઇઓ
  • એક સાથે (બોલીને, લખીને અથવા ઇ-મેઇલ, એસએમએસ અને વોટ્સએપ જેવા ઇલેકટ્રોનિક માધ્યમ દ્વારા) ત્રણ વખત તલાક કહેવું ગેરકાયદે કૃત્ય ગણાશે.
  • આવું કરનાર પતિને ત્રણ વર્ષની જેલની સજા થઇ શકે છે અને તે બિનજામીન પાત્ર અને કોગ્નિઝેબલ ક્રાઇમ ગણાશે.
  • આ કાયદો માત્ર ટ્રિપલ તલાક એટલે કે તલાક-એ-બિદ્દતને જ લાગુ પડશે.
  • તલાક પીડિતા પોતાનાં અને સગીર બાળકો માટે નિર્વાહ ભથ્થું મેળવવા મેજિસ્ટ્રેટને અપીલ કરી શકશે.
  • તલાક પીડિતા મેજિસ્ટ્રેટને સગીર બાળકોના સંરક્ષણ માટે પણ અપીલ કરી શકશે. મેજિસ્ટ્રેટ આ અંગે અંતિમ નિર્ણય કરશે.
  • આ કાયદો જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ પડશે.શું છે મુસ્લિમ પક્ષની દલીલો?
  – સુપ્રિમે નિર્ણય આપ્યા પછી બિલ લાવવાની જરૂર નથી
  – જો પતિને જેલ થશે તો પત્નીની જવાબદારી કોણ લેશે?
  – પતિના જેલ ગયા બાદ પત્ની અને બાળકોની જવાબદારી કોણ લેશે?
  – ત્રિપલ તલાક બિલ અધૂરું છે
  – રાજકીય લાભ મેળવવા સરકારે બિલ રજૂ કર્યું
You might also like