આવતા અઠવાડીયામાં રજૂ કરાશે લોકસભામાં ત્રિપલ તલાક બિલ

ભારતમાં ત્રિપલ તલાકને રોકવા માટે મોદી સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓના વિવાહના અધિકાર સંરક્ષણ બિલને લોકસભામાં રજૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રિપલ તલાકને બિનજામીન પાત્ર ગુનો બનાવવા માટે લોકસભામાં બિલ રજૂ કરવામાં આવશે.

આ બિલમાં 1 વખતમાં ત્રિપલ તલાક આપનાર વ્યક્તિને ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ રાખવામાં આવી છે. મહત્વનુ છે કે, આ પહેલા ત્રિપલ તલાક બિલને કેબિનેટમાં પણ મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ બિલને આવતા અઠવાડીયામાં લોકસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપ દ્વારા પોતાના તમામ સાંસદોને આ બિલને રજૂ કરતી વખતે લોકસભામાં હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા 22 ઓગસ્ટે સુપ્રિમ કોર્ટ દ્વારા ત્રિપલ તલાકને રદ્દ કર્યો હતો. ત્યાર બાદ પણ હજી સુધી ત્રિપલ તલાકની ઘટનાઓ સામે આવી રહી છે. જેના ભાગરૂપે પીએમ મોદી દ્વારા આ મામલે મંત્રીમંડળની કમિટિ બનાવવામાં આવી હતી. જેમા રાજનાથસિંહ, સુષ્મા સ્વરાજ, અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ, પીપી ચૌધરી અને ડોકટર જીતેદ્ર સિંહ શામેલ છે.

You might also like