ત્રિપદા સ્કૂલમાં કેજી, નર્સરીની ફીના મુદ્દે વાલીઓનો હંગામો

અમદાવાદ: શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા પ્રી પ્રાઇમરી સ્કૂલની ફીમાં અંદાજે રૂ. છ હજારનો વધારો કરાયો છે, જેના પગલે વાલીઓમાં નારાજગી પ્રસરી ગઇ છે. નારાજ વાલીઓએ શાળા સમક્ષ દેખાવો કર્યા હતા. જ્યારે સંચાલક દ્વારા જણાવાયું હતું કે પ્રાઇમરી વિભાગમાં ફીનો ઘટાડો કરાયો છે, પરંતુ પ્રી પ્રાઇમરીમાં ઘટાડો કરવો શક્ય નથી. વાલીને ફી ન પોસાય તો તેઓ બાળકોને ઉઠાવી લે.

ઘાટલોડિયામાં આવેલી ત્રિપદા પ્રી પ્રાઇમરી સ્કૂલના સંચાલકો દ્વારા કેજી અને સિનિયર કેજીની ફી રૂ. ૨૪,૫૦૦થી વધારીને ૩૨,૦૮૦ જેટલી કરી દેવામાં આવી છે, જેના પગલે વાલીઓમાં નારાજગી પ્રસરી હતી. આ મામલે આજે વાલીઓ દ્વારા શાળા સમક્ષ દેખાવો કરવામાં આવ્યા હતા. જોકે વાલીઓને શાળા સંચાલક સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. આ અંગે વાલી સમીરભાઇ પટેલ દ્વારા જણાવાયું હતંુ કે ફી વધારા અંગે પ્રિન્સિપાલ કહે છે કે આ અંગે હું કંઇ કરી શકું નહીં. જેથી વાલીઓએ સંચાલકોને મળવાની વાત કરી હતી, પરંતુ પ્રિન્સિપાલે સંચાલકોને મળવા દીધા ન હતા. શાળાના સંચાલક અર્ચિત ભટ્ટે જણાવ્યું હતું કે પ્રાઇમરી સ્કૂલમાં ડીઇઓનાં સૂચન મુજબ ફીમાં ઘટાડો કરાયો છે, જ્યારે પ્રી પ્રાઇમરીમાં કોઇ નિયમ ન હોવાના કારણે વાલીઓને ફી ન પોસાય તો તેમનાં બાળકોને ઉઠાવી લેવા જોઇએ.

You might also like