ત્ર્યંબકેશ્વર મંદિરે અમૂલ્ય હીરો પાછો માગ્યો!

પ્રસિદ્ધ ૧૨ જ્યોર્તિલિંગમાં ગણાતા મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર મહાદેવના મુગટનો એક અમૂલ્ય હીરો વિદેશમાં હોવાથી તેને પાછો મેળવવા મંદિર ટ્રસ્ટ દ્વારા માગણી કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ બ્લૂ કલરનો આ નસ્સાક નામનો હીરો ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભગવાન શિવની પ્રતિમાના મુગટમાં જડાયેલો હતો.

આ અંગે ત્ર્યંબકેશ્વર મંદિરનાં ટ્રસ્ટી લલિતા શિંદેએ કહ્યું, “પ્રાચીનકાળથી અનેક લૂંટારું શાસકોએ ભારત પર હુમલાઓ કરીને કેટલીય અમૂલ્ય ચીજવસ્તુઓ તડફાવી છે. તે જ રીતે કેટલાક લૂંટારું શાસકોએ આ હીરાને પણ લૂંટ્યો હતો. જોકે અનેક શાસકોના હાથમાં ફરતોફરતો આ હીરો હાલ લેબેનોનના એક પ્રાઇવેટ સંગ્રહાલયમાં હોવાનું જાણવા મળ્યું છે.” જે બાદ શિંદે દ્વારા રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને સરકારના અન્ય લાગતાવળગતા વિભાગોને મંદિર ટ્રસ્ટ વતી પત્ર લખ્યો છે.

પત્રમાં ભગવાન શંકરના આભૂષણ સમાન આ હીરાને પાછો મેળવવાની માગણી કરાઈ છે. ભારતીય ઇતિહાસમાં બ્લૂ કલરના નસ્સાક હીરાને ભગવાન શંકરના નેત્ર તરીકે ઓળખવામાં આવે છે. હાલ આ હીરાનું વજન ૪૩.૩૮ કેરેટ એટલે કે ૮,૬૭૬ ગ્રામ છે. આ હીરાને ૧૫મી સદીમાં તેલંગણા ખાતે આવેલા મહેબૂબનગરની અમારાગીરી ખાણમાંથી મેળવવામાં આવ્યો હતો. હીરો પાછો મેળવવા માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવવાની તૈયારી દર્શાવાઈ છે.
http://sambhaavnews.com/

You might also like