શહેરમાં તસ્કરોએ મચાવેલો તરખાટ રૂપિયા આઠ લાખની માલમતાની ચોરી

અમદાવાદ: શહેરમાં તસ્કરોનો ત્રાસ યથાવત રહેતા શહેરીજનોએ પોતાની રૂ. આઠ લાખની માલમત્તા ગુમાવી છે. આ અંગેની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં ૧૩ર ફૂટ રિંગ રોડ પર આવેલા નવકાર ફલેટનાં મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.એક લાખની કિંમતના સોનાનાં ઘરેણાં અને ચાંદીના સિક્કાની ચોરી કરી હતી.

માધુપુરા વિસ્તારમાં વિનોદ ચેમ્બર્સના પાછળના ભાગે જનતા ટ્રેડર્સના રોડ પર મૂકવામાં આવેલા આશરે રૂ.પાંચ લાખની કિંમતના કેબલ વાયરના બંડલો તસ્કરો ઉઠાવી જતાં પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. જ્યારે મણિનગરમાં અર્બુદા કો.ઓ. હાઉસિંગ સોસાયટીના કોમન પ્લોટમાં આવેલ બે મંદિરોના તસ્કરોએ તાળાં તોડી મંદિરમાંથી દાનપેટી, ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી આશરે રૂ.પ૦ હજારની માલમતાની ચોરી કરી હતી તથા નારણપુરામાં દીવાલીલા એપાર્ટમેન્ટના એક મકાનમાંથી પણ રૂ.૮પ હજારની કિંમતના ચાર મોબાઇલ ફોનની ચોરી થઇ હતી.

આ ઉપરાંત આનંદનગરમાં પ્રહલાદનગર રોડ પર કોર્પોરેટ બેંકની સામે પાર્ક કરેલ એક કારના દરવાજાનો કાચ ગઠિયાએ સિફતપૂર્વક તોડી કારની સિટ પર મૂકેલ લેપટોપ અને રૂ.૬ હજારની રકમ સાથેના પર્સની ચોરી કરી હતી. પોલીસે આ બનાવો અંગે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like